ઇન્ટર્ન ડોક્ટર્સે અમદાવાદમાં બી જે મેડિકલ કોલેજ ખાતે પ્લેકાર્ડ હાથમાં રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતના ઇન્ટર્ન ડોક્ટર્સ તેમના સ્ટાઇપન્ડમાં વધારો કરવાની માગણી કરી રહ્યાં છે. (PTI Photo)

ગુજરાતની તમામ સરકારી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલ્સના ઇન્ટર્ન તબીબો 14 ડિસેમ્બરથી હડતાલ પાડશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. ઇન્ટર્ન તબીબોની માગ રાજ્ય સરકારે હજુ સુધીના સ્વીકારતા ઇન્ટર્ન તબીબો લડી લેવાના મૂડમાં છે.

હાલ મળતા સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈન્સેન્ટિવની માગ સાથે ઇન્ટર્ન તબીબો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માગ કરાઈ રહી છે. ઇન્ટર્ન તબીબોની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહી છે.

હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે. જે વધારીને 20,000 કરવા માગણી કરવામાં આવી છે. ડોક્ટર્સે માગણી કરી છે કે સ્ટાઈપેન્ડમાં વધારો એપ્રિલ 2020થી સ્વીકારી બાકીની રકમ સરકાર એરિયર્સરૂપે આપે. કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર રૂપિયા લેખે આપવામાં આવે તેવી ઇન્ટર્ન તબીબોએ માગ કરી છે.
આયુર્વેદિક ડૉકટરોને 58 પ્રકારની સર્જરી માટે મંજૂરી આપવાના નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ, રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માટેની માગણી સાથે સોમવારથી કોરોના સહિતની તમામ સેવાઓથી અળગા રહી હડતાળ પર ઊતરી ગયા છે. અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં અન્ય રાજ્ય કરતાં ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહી છે એવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે. ડૉક્ટરોની હડતાળને લઈને તમામ મેડિકલ કોલેજોના ડીન અને સુપ્રિટેન્ડેન્ટની નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજાશે.