(istockphoto.com)

અમેરિકામાં કોવિડ-19 માટેના વેક્સિનેશન કેમ્પેઈન (રશીકરણ ઝુંબેશ) નો સોમવારે (14 ડીસેમ્બર) ન્યૂ યોર્કમાં આરંભ થયો હતો અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી એની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પહેલી વેક્સિન અપાઈ ગઈ. અભિનંદન અમેરિકા, અભિનંદન દુનિયા.

પહેલી વેક્સિન લોંગ આઈલેન્ડ જ્યુઈશ મેડિકલ સેન્ટરની નર્સ સાન્ડ્રા લિન્ડ્સેને અપાઈ હતી. સાન્ડ્રાએ સવારે 9.30 કલાકની થોડી પળો પહેલા લાઈવ ટીવી ઉપર વેક્સિન લીધી હતી. પ્રતિભાવ આપતાં તેણે કહ્યું હતું કે, આ વેક્સિન લેવાનો અનુભવ સામાન્ય, રાબેતા મુજબનો, કોઈપણ અન્ય રસી લેતા થાય તેવો જ રહ્યો હતો, તેમાં કશું અલગ નહોતું. અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયાના 11 મહિનામાં યુએસ ફુડ્સ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને તાકીદના ઉપયોગ માટે મંજૂરી આપી છે તે ફાઇઝર અને જર્મનીની બાયોએનટેકની રસી યુપીએસ તથા ફેડેક્સ દ્વારા સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવશે. યુનાઇટેડ પાર્સલ સર્વિસની વર્લ્ડપોર્ટ સોર્ટીંગ ફેસિલીટી લુઇવીલેમાં છે તો ફેડેક્સ એર કાર્ગો ટેનીસીના મેમ્ફીસમાં કાર્યરત છે.

મીશીગનના કલામાઝુ ખાતેની ફાઇઝર ફેસિલીટીમાંથી ડ્રાય આઇસથી ઠંડા કરાયેલા પેકેજોમાં રસી સાથેની ટ્રકો લેન્સિંગ અને ગ્રાન્ડ રેસ્પીડ્સના હવાઇ ક્ષેત્રોમાં લેન્ડ કરાયેલા યુપીએસ અને ફેડેક્સના વિમાનો તરફ રવાના થઇ હતી. રસીના પેકેજોથી લદાયેલા વિમાનો લુઇસવિલે અને મેમ્ફીસ રવાના થયા હતા. સમગ્ર અમેરિકામાં રસીકરણ માટે નક્કી કરાયેલા 636 સ્થળો પૈકી પ્રથમ તબક્કાના 145 સ્થળો ઉપર પ્રથમ શીપમેન્ટની રસી પૂરી પડાશે.

આ પછી બીજા અને ત્રીજા તબક્કાની શીપમેન્ટ પણ આ જ અઠવાડિયામાં જે તે સ્થળોએ પહોંચી જશે. લેન્સિંગમાં રાહ જોતા વિમાનો સુધી રસી પહોંચાડવા યુપીએસ દ્વારા જેમને કામે લગાડવામાં આવેલ છે તે બોયલ ટ્રાન્સપોર્ટેશનના સહપ્રમુખ એન્ડ્રયુ બોયલે જણાવ્યું હતું કે, અમે કાર્ગો નહીં પરંતુ આશા (હોપ)નું વહન કરી રહ્યા છીએ.

અમેરિકન પ્રજા માટે મહામૂલી સુરક્ષા સશસ્ત્ર રક્ષણ હેઠળ વિમાનીમથકે પહોંચાડવામાં આવ્યા હતા. બોયલ ટ્રાન્સોર્ટેશનના 56 વર્ષનાં મહિલા કર્મી બોની બ્રુઅરે જણાવ્યું હતું કે, કેમોથેરાપી અને અન્ય જીવનરક્ષક દવાઓના અગાઉના વહનનો અનુભવ તેને કામ લાગ્યો છે.
યુએસ ઓપરેશન રેપ સ્પીડના મુખ્ય સલાહકાર ડો. મોન્સેફ સ્લાઉએ જણાવ્યું હતું કે માર્ચના અંત સુધીમાં અમેરિકાની વસતિના 30 ટકા અથવા 100 મિલિયન લોકોને રસી આપી શકાશે. હેલ્થકેર વર્કર્સ, કેર હોમ્સના વૃદ્ધ રહીશોને ત્રણ સપ્તાહના ગાળામાં રસીના બંને ડોઝ અપાશે. જોકે જાહેર આરોગ્ય અધિકારીઓએ આગામી સમયગાળામાં માસ્ક નહીં પહેરવા કે ટોળામાં ભેગા થવા જેવી ઉદાસીનતા કે બેદરકારી નહીં નાગરિકોને ચેતવણી આપી હતી.

નવી રસી જે ઉતાવળે વિકસાવાઇ અને આ રસી આપવામાં થઇ રહેલી ઉતાવળથી ઘણા લોકો રસી લેવામાં જે ખચકાટ અનુભવે કે અનુભવશે તે સમસ્યા પણ જાહેર આરોગ્ય અધિકારીઓને નડવાની છે. આ ઉપરાંત ફાઇઝરની રસીને માઇનસ 70 ડિગ્રી સેલ્સીયસે જાળવવાની અને તેના વહનની પણ મુશ્કેલી રહેવાની છે. આ માટે વિપુલ પ્રમાણમાં ડ્રાય આઈસ તથા અત્યંત ઠંડા શીતાગાર-ફ્રીઝર્સની પણ જરૂર રહેશે.

સ્લાઉએ જણાવ્યું હતું કે, ડિસેમ્બરના અંત સુધીમાં 20 મિલિયન લોકોના રસીકરણ માટે 40 મિલિયન ડોઝની જરૂર પડશે. મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલમાં 95 ટકા અસરકારક નીવડેલી ફાઇઝરની રસી ચેપ રોકે છે કે કેમ તે હજુ જાણી શકાયું નથી. અમેરિકામાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે રસીકરણની ઘડી આવી ત્યાં સુધીમાં કોરોનાનો મૃત્યુઆંક ત્રણ લાખ થયો છે અને આગામી ઉનાળા સુધીમાં રસી વ્યાપક પ્રમાણમાં મળતી થાય ત્યાં સુધીમાં મૃત્યુ આંક પાંચ લાખ થવાનો અંદાજ છે.