અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે અમદાવાદની મુલાકાત કરીને આગ્રા તાજમહેલ જોવા પહોંચ્યા હતા. ટ્રમ્પે પત્ની મેલેનિયા સાથે તાજમહેલના કેમ્પસમાં અંદાજે દોઢ કિમી સુધી વોક કર્યું અને ફોટો સેશન કરાવ્યું હતું. વિઝિટર બુકમાં ટ્રમ્પે લખ્યું- આ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે. ટૂરિસ્ટ ગાઈડે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી તાજમહેલ સાથે જોડાયેલા કિસ્સાની માહિતી આપી હતી.

તેમની દીકરી ઈવાન્કાએ સહયોગીને પોતાનો મોબાઈલ આપીને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા. આ પહેલાં આગ્રા પહોંચતા એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રમ્પ પરિવારનું સ્વાગત કર્યું હતું.આગ્રાના ખેરિયા એરપોર્ટ પર સાંજે 4.15 વાગે ટ્રમ્પનું પ્લેન લેન્ડ થયું હતું. અહીં પહોંચવા માટે 4.45 વાગ્યાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

અહીં તેઓ 30 મિનિટ પહેલાં પહોંચી ગયા હતા. તેમના વિમાનમાંથી ઉતર્યા પછી કલાકારોએ મયૂર નૃત્ય કર્યું હતું. તેને જોઈને ટ્રમ્પે વેલડનની સાઈન કરીને ગુડ-ગ્રેટ કહીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. દીકરી ઈવાન્કાએ તાળીઓ વગાડીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિઝિટર બુકમાં મેસેજ પણ લખ્યો હતો.