કેનેડામાં વંશિય હુમલાનો વધુ એક ભયાનક કિસ્સો નોંધાયો છે. કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયામાં મંગળવારની સવારે અમદાવાદના 66 વર્ષના વૃદ્ધને ધોળા દિવસે છરાના 17 ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવતા ભારતીય સમુદાયમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. વૃદ્ધ તેમની પૌત્રીને સ્ટ્રોલરમાં બેસાડીને ફરવા નીકળ્યાં ત્યારે તેમના પર આ  હુમલો કરાયો હતો. કથિત હુમલાખોરની ઓળખ 20 વર્ષીય નોહ ડેનિયર તરીકે થઈ હતી. જોકે હુમલાનું કારણ જાણી શકાયું ન હતું.

પોલીસે પીડિતની ઔપચારિક ઓળખ કરી  ન હતી. પરંતુ તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેઓ 66 વર્ષીય દિલીપ કુમાર ધોલાણી છે અને તેઓ અમદાવાદના રહેવાસી છે. તેઓ ગ્રેટર ટોરોન્ટોના ઓશાવા શહેરમાં પુત્રના પરિવારને મળવા માટે આવ્યાં હતાં.

ધોલાણી તેમના નિત્યક્રમ મુજબ દોઢ વર્ષની પૌત્રી લઈને બહાર ફરવા નીકળ્યાં હતાં ત્યારે આ હુમલો થયો હતો. ધોલાણીને  ટોરોન્ટોના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હતી.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વૃદ્ધ વ્યક્તિએ ખૂબ હિંમત દર્શાવી હતી અને જીવલેણ ઘા મારવામાં આવ્યા હોવા છતાં બાળકનું રક્ષણ કર્યું હતું. તેમણે બચાવો-બચાવોની બૂમો પાડી હતી તથા પુત્રવધૂ અને પડોશી મદદ માટે ન આવે ત્યાં સુધી બાળકને છોડ્યું ન હતું.

આરોપી અગાઉ આ વિસ્તારોમાં રહેતો હતો. તે પોલીસ કસ્ટડીમાં છે અને તેના પર હુમલો અને હથિયાર વડે હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કેસની તપાસ કરી રહેલા ડરહામ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલો રેન્ડમ હોવાનું જણાય છે. ડેનિયરને અગાઉથી અધિકારીઓ ઓળખતા હતાં.

આ ઘટનાને લઈને કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને કેનેડામાં આક્રોશ ફેલાયો છે. આ હુમલા અંગે ટ્વીટ કરીને મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરે જણાવ્યું હતું કે એક દાદા તેમની પૌત્રી સાથે જઈ રહ્યાં હતાં ત્યારે શાંત ઉપનગરીય વિસ્તારમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આવી ભયાનકતા ક્યારે સામાન્ય બની ગઈ?”

પોતાના પરિવાર હાલના નિવાસસ્થાનમાં સુરક્ષિત છે કે નહીં તે અંગે ધોલાણી પરિવાર ચિંતામાં ગરકાવ છે અને આક્રોશની લાગણી છે. દિનેશ ધોલાણીએ કહ્યું હતું કે ખૂની હુમલો કર્યો હોવા છતાં ડેનિયરને જામીન મળી જશે. પરિવારને આ હુમલા પાછળના હેતુની પણ ખબર નથી.

 

LEAVE A REPLY

18 − five =