Election announcement in Gujarat
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ ગુરુવારે નવી દિલ્હીમાં આકાશવાણી ભવનમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી.(ANI Photo/Shrikant Singh)

બે તબક્કે – પહેલી અને પાંચમીએ વોટિંગ, 8મીએ પરિણામ

ભારતના ચૂંટણી પંચે ગયા સપ્તાહે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ રાજ્યમાં પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થશે. 10 ડિસેમ્બરના રોજ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ જતાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગું પડી ગઈ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પહેલા તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે. આ ચૂંટણીમાં રાજ્યમાં કુલ 4.9 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને તેમના માટે 51,782 મતદાન કેન્દ્રો ઉભા કરાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે, ત્યાર બાદ 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદાન થશે.

આ ઉપરાંત ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ઉમેદવારના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઈટ પરથી જાણી શકાશે. ઉમેદવારને ક્રિમિનલ રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે. ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતાની ખાતરી માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાશે. ચૂંટણી સમયે ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ પર પણ નજર રખાશે. પોલીસ અને એક્સાઈઝ ડીપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે કે દારૂ અને ડ્રગ્સની ગેરકાયદે ધૂષણખોરી પર ખાસ નજર રાખવામાં આવે.
પહેલા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન 05 નવેમ્બરે બહાર પડશે. બીજા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન 10 નવેમ્બરે બહાર પડાશે. પહેલા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર અને બીજા તબક્કા માટે 17 નવેમ્બર રહેશે.

ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે, તેમાં 40 બેઠક અનામત છે – 13 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો, તો કોંગ્રેસને 77 બેઠક મળી હતી. BTPને 2 સીટ મળી હતી અને 4 સીટ પર અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા હતા.

આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ રહેશે. ચૂંટણી પંચે પ્રેસ-કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે મતદારયાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. રાજ્યમાં 2022 બૂથ એવાં શોધવામાં આવ્યાં છે, જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે એ માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે.
ચૂંટણી પંચે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડથી ચેપગ્રસ્ત લોકો મતદાન કરવા ઈચ્છતા હોય, પરંતુ મતદાન મથક પર આવી ન શકે તેમ ના હોય તેમના માટે મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.

રાજ્યમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તા પર છે. જોકે, 2017માં તેને સૌથી ઓછી 99 બેઠકો જ મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. પરંતુ એ પછી રાજ્યમાં થયેલી પેટાચૂંટણીઓમાં ભાજપનો દેખાવ સારો રહેવાથી તેમજ કોંગ્રેસના 17 ધારાસભ્યોએ રાજીનામાં આપતા હાલ ભાજપ પાસે 111 જ્યારે કોંગ્રેસ પાસે 63 બેઠકો છે.આ દિવસો લગ્નગાળાના હોવાના કારણે પણ થોડું ઓછું મતદાન થવાની શક્યતા રહે છે.

LEAVE A REPLY

10 + 2 =