ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માગતા ઉમેદવારે નિયમો બનાવ્યા છે. ભાજપ ઉમેદવાર માટેના ફોર્મમાં કોલમ રાખી છે કે અયોધ્યામાં રામજન્મભૂમિમાં દાન આપ્યુ છે કે નહીં. આ ઉપરાંત 55 વર્ષથી વધુ વયના દાવેદારને ટીકીટ જ આપવામાં આવશે નહીં.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થઇ ચૂકી છે ત્યારે ભાજપે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. રવિવારથી અમદાવાદ સહિતના શહેરોમાં ઉમેદવારોની પસંદગીને લઇને સેન્સ લેવાનું શરૂ કરાયું હતું. જોકે, આ વખતે ભાજપે ટીકીટ મેળવવા માટે નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે જેમાં દાવેદારને આ વાત પૂછવામાં આવશે કે, રામજન્મભૂમિમાં દાન આપ્યુ છે કે કેમ.

ભાજપની ટીકીટ મેળવવા દાવેદારોની લાંબી લાઇન લાગી છે. ખાસ કરીને એક એક વોર્ડમાં 50થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સંજોગોમાં ભાજપ માટે ઉમેદવાર પસંદ કરવાનુ મુશ્કેલ બન્યું છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આરપાટીલે પણ ટીકીટવાંચ્છુઓના ધાડેધાડાં જોઇને જટિલ નિયમો ઘડયાં છે જેમ કે, પેજ સમિતી બનાવી હોય, સરકારી યોજનાનો ઘેર ઘેર જઇને પ્રચાર કર્યો હોય, સોશિયલ મિડીયા થકી ભાજપ-સરકારની વાત લોકો સુધી પહોંચાડી હોય તેવા દાવેદારને પ્રથમ તક આપવામાં આવશે. આ ઉપરાંત પહેલીવાર દાવેદારે એવું જણાવવુ પડશે કે, અયોધ્યામાં રામજન્મ ભૂમિ પર નિર્માણ થઈ રહેલાં ભવ્ય રામમંદિર માટે કેટલું અનુદાન આપ્યું છે.

ભાજપ આ વખતે યુવાન ઉમેદવારની પ્રાથમિકતા આપશે. 24, 25, 26 જાન્યુઆરી સુધી ઉમેદવારોને લઇને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. 26-27મી જાન્યુઆરીએ નિરીક્ષકો કાર્યકરોને પણ સાંભળશે. અમદાવાદ શહેરમાં નિરીક્ષકોની 12 ટીમ હાલમાં 48 વોર્ડ માટે ઉમેદવારીની પસંદગીને લઇને સેન્સ લઇ રહી છે. સ્થાનિક કક્ષાએ જે દાવેદારનુ નામ આવશે તેના પર જ પાર્લામેન્ટ્રી બોર્ડ પસંદગીની મહોર મારશે.