કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. જો કે હવે અનલોકનાં તબક્કામાં મોટી છૂટછાટ મળતાં રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ રસ્તો સાફ થઈ ગયો છે. ઈલેક્શન કમિશન દ્વારા રાજ્યસભાની ચૂંટણીને લઈ તારીખો જાહેર કરવામાં આવી છે.

આગામી 19મી જૂનનાં રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપનાં 3 ઉમેદવાર તો કોંગ્રેસનાં 2 ઉમેદવાર મેદાનમાં છે. એટલે કે હવે આગામી સમયમાં ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ભારે રસાકસી જોવા મળશે.

અગાઉ 26મી માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પણ કોરોના મહામારીને જોતાં આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. પણ હવે સરકારી ગાઈડલાઈન પ્રમાણે મોટી છૂટછાટો આપવામાં આવતાં હવે રાજ્યસભાની ચૂંટણીનાં દ્વાર પણ ખૂલી ગયા છે.

આગામી 19 જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાશે. સવારે 9થી 4 વાગ્યાથી મતદાન થશે. અને 19 જૂને સાંજે 5 વાગે મત ગણતરી શરૂ કરાશે. અગાઉ રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાતનાં રાજકારણમાં ખાસ્સો ગરમાવો જોવા મળ્યો હતો.

ભાજપ દ્વારા ચૂંટણીમાં 3 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. જેમાં અભય ભારદ્વાજ, રમિલાબહેન બારા અને નરહરિ અમીનનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. અગાઉ ચૂંટણી સમયે કોંગ્રેસનાં અમુક ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા.

જેને લઈ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી હતી. પણ કોરોના મહામારીને કારણે તમામ પોલિટિક્સ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. તેવામાં હવે આગામી સમયમાં ફરીથી ગુજરાતની રાજનીતિમાં જોડ તોડ સહિત રાજીનામા અને રિસોર્ટ પોલિટિક્સ શરૂ થાય તો નવાઈ નહીં.