એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ વર્ષ 2023-24 માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (EPF) જમા રકમ પર વ્યાજદર 8.25 ટકા નક્કી કર્યા છે, જે ગત ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. EPFOએ માર્ચ 2023માં EPF પર વ્યાજદરમાં સામાન્ય વધારો કરીને 8.15 ટકા કર્યા હતા, જે 2021-22માં 8.10 ટકા હતા.

આથી હવે PF ખાતાધારકોને વર્તમાન નાણાકીય વર્ષ 2023-24માં તેમના PFમાં જમા રકમ પર 8.25 ટકાના દરે વ્યાજ મળશે. EPFOએ માર્ચ, 2022માં વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજદર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી ઓછો હતો. EPFOના ટ્રસ્ટી મંડળની 235મી બેઠક શનિવારે યોજાઇ હતી. CBT મીટિંગના એજન્ડામાં વ્યાજ દરોનો સમાવેશ કરાયો હતો. ઓર્ગેનાઇઝેશનના આ નિર્ણયથી લાખો નોકરિયાતોને ફાયદો થશે. CBTના નિર્ણય પછી વ્યાજદર સંબંધી નિર્ણયને મંજૂરી માટે નાણાં મંત્રાલયની પાસે મોકલવામાં આવશે અને પછી વ્યાજ ખાતાધારકોને આપવામાં આવશે.
અત્યારે EPFOના છ કરોડથી વધુ ગ્રાહકો છે. ખાસ તો ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે EPFOમાં જમા કરવામાં આવેલા નાણા સૌથી મોટી સામાજિક સુરક્ષા છે. દર મહિને PFના નામે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાંથી એક નિશ્ચિત હિસ્સો કાપવામાં આવે છે.

LEAVE A REPLY

seventeen + three =