Farewell to Mrs. Parvatiben Solanki, the pillar of 'Garvi Gujarat'

ગરવી ગુજરાત અને એશિયન મીડિયા ગ્રુપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનું ગુરૂવાર, 8 સપ્ટેમ્બરે સમી સાંજે લંડન ખાતે અવસાન થયું છે. તેઓ 86 વર્ષના હતા. ગુરૂવારે પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે શાંતિમય રીતે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ ડાયસ્પોરા ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી, પ્રણેતા રમણિકલાલ સોલંકીના અર્ધાંગિની અને લંડન તથા આટલાન્ટાથી પ્રકાશિત થતાં ‘ગરવી ગુજરાત’ ન્યૂઝ વીકલીના સહસ્થાપક હતા. ‘ગરવી ગુજરાત’ અને ‘એશિયન મીડિયા ગ્રુપ’ના વિકાસમાં તેમનો સિંહફાળો હતો. આજે યુકેના સૌથી સફળ એશિયન બિઝનેસ હાઉસીસમાં એશિયન મીડિયા ગ્રુપનો પણ સમાવેશ થાય છે. આ ગ્રુપના અગ્રણી પ્રકાશનોમાં ‘ગરવી ગુજરાત’, ‘ઈસ્ટર્ન આઇ’, ‘એશિયન ટ્રેડર’ અને ફાર્મસી બિઝનેસનો સમાવેશ થાય છે. તેમણે સ્વ. શ્રી રમણિકલાલ સોલંકી સાથે ખભેખભા મિલાવી યુકેમાં ડાયાસ્પોરા પ્રકાશનના વિકાસ માટે કામ કર્યું હતું.

નવસારીની બાજુમાં દાંડી જવાના માર્ગે આવતા પેથાણ નામનાં નાનકડા ગામમાં મકનજીભાઈ દુર્લભભાઈ ચાંપાનેરી (ચાવડા)ને ત્યાં 5 જુલાઈ, 1936ના દિવસે જન્મેલા પાર્વતીબેન પરિવારના આઠ વ્યક્તિઓમાંનાં એક હતા. પાર્વતીબેને શાળાકીય શિક્ષણ ત્યાં જ પ્રાપ્ત કર્યું હતું. પછી 1955માં તેમના લગ્ન રમણિકલાલ સોલંકી સાથે થયા હતા. થોડો સમય ભારતમાં જોબ કર્યા બાદ રમણિકલાલ અને પાર્વતીબેન લંડન આવ્યા હતા અને અહીં જ સ્થાયી થયા હતા.

1968માં સોંલકી દંપતીએ ‘ગરવી ગુજરાત’ સમાચાર સાપ્તાહિક શરૂ કર્યું હતું. એ માટે તેમણે બંનેએ ઘણો સંઘર્ષ કર્યો હતો. શ્રી સોલંકીએ ‘ગરવી ગુજરાત’ શરૂ કર્યું ત્યારે એક અખબાર કાઢવા માટે જરૂરી ટેકનોલોજી અને પૂરતી નાણાંકીય વ્યવસ્થા તેમની પાસે નહોતા. આથી રમણિકલાલ અને તેમનાં પત્ની પાર્વતીબેને નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલી ખાતેના એક મકાનમાં 1 એપ્રિલ, 1968ના રોજ બ્લેક એન્ડ વાઇટ સાયકોસ્ટાઇલ પદ્ધતિએ ‘ગરવી ગુજરાત’નો પ્રારંભ કર્યો હતો.

‘ગરવી ગુજરાત’ બહુ ઝડપથી યુકેના ભારતીય સમુદાયમાં લોકપ્રિય તથા ભારત બહાર સૌથી વધુ વંચાતું અને સૌથી મોટો ફેલાવો ધરાવતું ગુજરાતી અખબાર બન્યું હતું.

50 વર્ષ કરતાં વધુ સમય સુધી વિચારપ્રેરક લેખો અને સમાચારસંપાદન કરવાની આગવી શૈલી તથા નિર્ભિક પત્રકારત્વના કારણે શ્રી રમણિકલાલ સોલંકી યુકેના એશિયન પત્રકારોમાં અગ્રણી હરોળમાં સ્થાન પામ્યા હતા. પત્રકારત્વ ક્ષેત્રે શ્રી સોલંકીના વિશાળ પ્રદાનની નોંધ લઇને ઇંગ્લેન્ડનાં રાણીએ તેમને પ્રથમ વાર 1997માં OBE અને ત્યાર બાદ 2007માં CBE બહુમાન એનાયત કરી તેમનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત તેમને બીજા પણ અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા હતા. શ્રી રમણિકલાલ સોલંકીની પ્રગતિ અને એશિયન મિડીયા ગ્રુપની વિકાસયાત્રામાં શ્રીમતી પાર્વતીબેન તેમના મુખ્ય આધારસ્તંભ અને સાચા અર્થમાં અર્ધાંગિની બની રહ્યાં હતાં.

‘ગરવી ગુજરાત’નો પ્રારંભ પખવાડિક અખબાર તરીકે થયો હતો પણ વિશાળ વાચકસમુદાયની માગણીના કારણે 1972માં તે ન્યૂઝ વીકલી બન્યું હતું. આજે ‘ગરવી ગુજરાત’ યુકે અને અમેરિકામાં એક સાથે પ્રકાશિત થાય છે અને ભારત બહાર સૌથી વધુ વેચાતું ગુજરાતી અખબાર બન્યું છે. રમણિકલાલ સોલંકીની જેમ જ શ્રીમતી પાર્વતીબેન નિર્ભિક, સત્યશોધક અને સ્પષ્ટવક્તા હતા.

એશિયન મીડિયા ગ્રુપે 2009માં ‘એશિયન રીચ લિસ્ટ’ અને વિખ્યાત અંગ્રેજી ટેબ્લોઇડ ‘ઇસ્ટર્ન આઇ’ હસ્તગત કર્યા હતા. હવે તો ગ્રુપનો બિઝનેસ ઘણો વિસ્તર્યો છે. તે દર વર્ષે વિવિધ એવોર્ડ્ઝ, ઇવેન્ટનું આયોજન કરે છે જેમાં જીજી2 લીડરશીપ એવોર્ડ્સ, એશિયન બિઝનેસ એવોર્ડ્સ, એશિયન ટ્રેડર એવોર્ડ્સ, વેપ એવોર્ડ્સ, આર્ટ, કલ્ચર એન્ડ થિયેટર એવોર્ડ્સ (ACTAs) તથા ફાર્મસી બિઝનેસ એવોર્ડ્સનો સમાવેશ થાય છે. રમણીકલાલ સોલંકી ગ્રુપના પ્રકાશનોના તંત્રી તરીકે સંસ્થા અને પરિવારના શિરોમણી હતા, તો પાર્વતીબેન આ સમારંભોમાં અને ઘર – પરિવારમાં એક આદર્શથી પણ ઘણું વધુ કરી શકાય તેવા એક ઉષ્માભર્યા યજમાન વડીલ હતા. તેઓ એએમજીના સમારંભોમાં પધારતા મહાનુભાવો – રાજકીય નેતા, વેપાર-ઉદ્યોગના અગ્રણી તેમજ સમુદાયના લોકો હોય કે ઘેર પધારતા મહેમાનો, સૌની મહેમાનગતિ સહજતા અને સરળતાથી કરતા અને એ રીતે એએમજીના હોય કે પરિવારના કે પછી ભારતથી આવતા સ્નેહીજનો કે ગુજરાતી અગ્રણીઓ, સૌનો આદર અને સ્નેહ તેઓ પામ્યા હતા, સૌને તેઓ આદર અને પ્રેમ આપતા પણ હતા.

તેમને ઘેર બગીચાના જતન અને સંવર્ધનનો ઘણો જ શોખ હતો, અવારનવાર તેઓ હોર્ટીકલ્ચર શોમાં જતા અને પોતાનો આ પ્રકૃત્તિ પ્રેમ તેમણે પરિવારને વારસામાં પણ આપ્યો છે.

શ્રીમતી સોલંકીના પરિવારમાં પુત્રો કલ્પેશ અને શૈલેશ, પુત્રી સાધના તથા 11 પૌત્રો-દોહિત્રો તથા એક પ્રપૌત્રીનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

five + 18 =