યુકેમાં ભારતીય ડાયસ્પોરાની માલિકીના બિઝનેસીઝ ખૂબજ મહત્ત્વનું પ્રદાન કરી રહ્યા છે અને એમાં નિરંતર વૃદ્ધિ થઈ રહી હોવાનું એક નવા રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું છે. ગ્રાંટ થોર્નટન યુકે એલએલપી દ્વારા યુકે ખાતેના ભારતીય હાઈકમિશન તેમજ ફિક્કી યુકેના સહયોગથી હાથ ધરાયેલી આ રીસર્ચના તારણો મુજબ યુકેમાં ભારતીય બ્રિટિશર્સની માલિકીના એવા 654 બિઝનેસીઝ છે, જેનું વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું એક લાખ પાઉન્ડનું છે.
આ બિઝનેસીઝ યુકેના અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. એ બધા મળીને દેશની કુલ રેવન્યુમાં £36.84 બિલિયનનો ફાળો આપે છે અને 174,000થી વધુ લોકો તેમાં જોબ્સ ધરાવે છે. આ બિઝનેસીઝ કોર્પોરેશન ટેક્સ તરીકે £1 બિલિયનથી વધુ રકમ ચૂકવે છે અને મૂડી ખર્ચ દ્વારા લગભગ £2 બિલિયન જેટલું મૂડીરોકાણ કરે છે.
આ રીપોર્ટનો હેતુ ભારત વંશીય લોકોની માલિકીના બિઝનેસીઝ દ્વારા યુકેમાં થતા પ્રદાન વિષે વધુ સારી સમજ કેળવવાનો તેમજ દર વર્ષે ઈન્ડિયા મીટ્સ બ્રિટન ટ્રેકર ઈવેન્ટ દ્વારા ઉભી કરાયેલી ઈન્સાઈટનો વધુ સારો ઉપયોગ કરવાનો છે. યુકેમાં ભારત વંશીય લોકોની માલિકીના સૌથી મોટા એમ્પ્લોયર બી એન્ડ એમ રીટેઈલ લિ. માં લગભગ 26,500 લોકો જોબ કરે છે, તો
ફૂડ એન્ડ બેવરેજીસ કંપની બોપારન હોલ્ડિંગ્સમાં 22,000 જેટલા લોકોની રોજગારી છે. ભારત વંશીય સમુદાયના સાહસિકો ખાસ કરીને રીયલ એસ્ટેટ, વેપાર અને મેડિસિન ક્ષેત્રમાં વધારે સક્રીય છે. તે ઉપરાંત હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ ડાયસ્પોરા વધુ સક્રિય છે. આ રીપોર્ટ રજૂ કરવાના પ્રસંગે ભારતીય હાઈકમિશનર શ્રીમતી રૂચિ ઘનશ્યામે કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુકેના ભારતીય ડાયસ્પોરાને બન્ને દેશો વચ્ચેનો જીવંત સેતુ ગણાવ્યો છે. તેમનું અમૂલ્ય પ્રદાન ફક્ત વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે જ નહીં પણ શિક્ષણ, સાહિત્ય, કલા, તબીબી, વિજ્ઞાન, રમતગમત તથા રાજકારણ ક્ષેત્રે પણ છે. આ રીતે, ભારતીય ડાયસ્પોરા બ્રિટિશ સંસ્કૃતિના સમૃદ્ધ પોતમાં પણ પ્રદાન ધરાવે છે તે હકિકતની વ્યાપક સ્તરે સ્વિકૃતિ થઈ છે, પ્રશંસા પણ થઈ છે. ગ્રાંટ થોર્નટન યુકે એલએલપીના પાર્ટનર અને હેડ સાઉથ એશિયા ગ્રુપ અનુજ ચંદેએ કહ્યું હતું કે, આ રીપોર્ટનો હેતુ યુકેમાં વસતા ભારતીય ડાયસ્પોરાનું દેશના સમાજજીવનના તમામ ક્ષેત્રોમાં રહેલા જબરજસ્ત પ્રદાનને ઉજાગર કરવાનો છે. 1950ના દાયકાથી ભારતીયો અહીં આવ્યા છે અને યુકેના આર્થિક વિકાસમાં પ્રદાન કરતા રહ્યા છે. આજે, યુકેમાં ભારત વંશીય સમુદાયની સંખ્યા લગભગ 1.5 મિલિયન જેટલી થઈ છે અને તેઓ યુકેનો એક સૌથી વધુ સમૃદ્ધ તેમજ ગતિશિલ માઈનોરિટી સમુદાય બની રહ્યો છે.
રન્નીમેડના બેરોનેસ તથા ફિક્કિ યુકેના ચેરપર્સન ઉષા પ્રાશર, સીબીઈએ કહ્યું હતું કે, યુકેમાં ભારતીય ડાયસ્પોરાનું પ્રદાન યોગ્ય રીતે પ્રશંસા પામ્યું છે, તેના વિષે ચર્ચા થઈ છે, પણ તેના ચોક્કસ કદનું મૂલ્યાંકન અગાઉ થયું નહોતું, તેથી આ રીપોર્ટમાં એ ઉણપ પુરી કરવાનો પ્રયાસ કરાયો છે.