અમેરિકામાં ફેડરલ રિઝર્વે સતત બીજા મહિને વ્યાજદરમાં 0.75 ટકાનો ધરખમ વધારો કર્યો હતો. ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે આવી હિલચાલ ફરી શક્ય છે. તેમણે અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં હોવાની અટકળોને ફગાવી દીધી હતી.

અમેરિકામાં ફુગાવો હાલમાં 40 વર્ષના ઊંચા સ્તરે છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડ વ્યાજદરમાં વધારો કરી રહી છે. ફેડે તેના ફેડરલ ફંડ્સ રેટના ટાર્ગેટને વધારીને 2.25થી 2.5 ટકા કર્યો હતો. ફેડે જુન અને જુલાઈમાં વ્યાજદરમાં કુલ 1.5 ટકાનો મોટો વધારો કર્યો છે, જે 1980ના દાયકાના પ્રારંભ પછીથી સૌથી તીવ્ર રેટહાઇક છે.

અમેરિકા બેન્કિંગ સિસ્ટમમાં નાણા પ્રવાહિતા માટે બેન્કો એકબીજાને ધિરાણ કરે તેનો વ્યાજનો દર હવે ૨.૨૫ ટકાથી ૨.૫ ટકા થઈ ગયો છે. અમેરિકામાં આ સતત ત્રીજો ઐતિહાસિક વ્યાજ દરનો વધારો છે. જૂન મહિનામાં અમેરિકામાં વ્યાજના દર ૦.૭૫ ટકા વધ્યા પછી બીજા મહિને આ સતત બીજો એટલી જ માત્રાનો વધારો છે. ફેડરલ રિઝર્વે આગામી સમયમાં ફુગાવા આધારિત વ્યાજ દર વધશે, મોંઘવારીના કારણે અમેરિકન અર્થતંત્રમાં થોડી ઢીલાશ જોવા મળશે એવું આકલન કર્યું છે.