ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન સાન ડિએગો દ્વારા દેશના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા અનેક સ્થાનિક ભારતીય સંગઠનો સાથે ભાગીદારીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
17 ઓગસ લિંકન હાઇ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિઘ પ્રાંતોના રંગબેરંગી પોશાક પહેરેલા કલાકારોએ દેશભક્તિના ગીતો અને નૃત્યો સાથે સ્ટેજ પર રમઝટ બોલાવી વિશાળ પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. મુખ્ય મહેમાન અનિલ કૃપલાનીએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ, રાષ્ટ્રની પ્રગતિ અને ભવિષ્યને આકાર આપવામાં ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
76મા ડીસ્ટ્રીક્ટના કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી સભ્ય, ડૉ. દર્શના પટેલે સ્વાતંત્ર્ય દિવસની યાદમાં એસેમ્બલી ઠરાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે કલા અને સર્જનાત્મકતા સ્પર્ધામાં ભાગ લેનારા યુવાન કલાકારો, કૃષ્ણા અને બોની અરોરા, ગૌતમ બંદોપાધ્યાય અને સ્થાનિક સમુદાયના અગ્રણીઓનું સન્મામ કરવામાં આવ્યું હતું.
