Heavy rain forecast for three days in Gujarat including Ahmedabad
વલસાડમાં 11 જુલાઈએ ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે સમયની ફાઇલ તસવીર. (ANI Photo)

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં સોમવાર સુધીમાં સરેરાશ ૭૬ ટકા વરસાદ નોંધાયા બાદ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની શક્યતા છે. તેનાથી રેડ એલર્ટ જાહેર કરાયો છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. આગામી પાંચ દિવસ અન્યત્ર જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૃચનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. શુક્રવારથી વરસાદના જોરમાં સાધારણ ઘટાડો જોવા મળી શકે છે. રવિવારે રાજ્યના ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીના બાબરા-લાઠીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.