ફાઇલ ફોટો ((Photo by -/AFP via Getty Images)

વોલમાર્ટની માલિકીના ફ્લિપકાર્ટ ગ્રૂપે તેની શોપિંગ એક્સપિરિયન્સ ક્ષમતામાં વધારો કરવા માટે ઓગમેન્ટેડ રિયાલિટી સ્ટાર્ટ-અપ સ્કેપિકને હસ્તગત કર્યું છે. કંપની સ્કેપિકનો 100 ટકા હિસ્સો ખરીદશે અને તેના બોર્ડમાં પોતાની ટીમ મુકશે.

સ્કેપિકની ટીમ ડીપર કેમેરા એક્સપિરિયન્સ, વર્ચ્યુઅલ સ્ટોરફ્રન્ટ અને તેના પ્લેટફોર્મ પર બ્રાન્ડ એડવર્ટાઇઝિંગ માટે નવી તક શોધવાની કામગીરી કરશે. આ ડીલ અંગે ફ્લિપકાર્ટ ગ્રૂપના સીઇઓ કલ્યાણ ક્રિષ્નામૂર્તિએ જણાવ્યું હતું કે અમે અમારા પ્લેટફોર્મને ગ્રાહકો માટે કન્ટેન્ટ અને અનુભવના સંદર્ભમાં સમૃદ્ધ બનાવવા માગીએ છીએ. અમે ગ્રાહકો માટે પ્લેટફોર્મની સુવિધાને વધુ સરળ બનાવવા માગીએ છીએ.

સાઇ ક્રિષ્ના વી કે અને અજય પીવીએ સ્થાપેલી સ્કેપિક એક ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે. તે ઓગમેન્ટેડ રિયાલિટી અને થ્રીડી કન્ટેન્ટના સર્જન અને પબ્લિશિંગને સરળ બનાવે છે. આ ઉપરાંત તે સમગ્ર દેશમાં ગ્રાહકો માટે સ્થાનિક ભાષા ઉપલબ્ધ કરાવે છે.
નવેમ્બરમાં ફ્લિપકાર્ટનું આ બીજું એક્વિઝિશન છે. આ મહિનાના પ્રારંભમાં ફ્લિપકાર્ટે ગેમિંગ સ્ટાર્ટ-અપ મેક મોચાની ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી હસ્તગત કરી હતી. 2019માં કંપનીએ લોયલ્ટી એન્ડ રિવોર્ડ પ્લેટફોર્મ અને સ્પીચ રેકગ્નિશન પ્લેટફોર્મ Live.ai.નો હિસ્સો ખરીદ્યો હતો.