અમેરિકાના ફ્લોરિડામાં એટલાન્ટિક કિનારે એક નાનુ વિમાન પહોંચ્યું તે વખતે જ તેનો પાયલટ બેહોશ થઈ ગયો હતો. એ પછી પ્રવાસીએ એર ટ્રાફિક કંટ્રોલર સાથે વાત કરીને તેની સૂચના પ્રમાણે સિંગલ એન્જિન સેસના 280 વિમાનનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલરે ખૂબ જ કૂનેહથી કામ પાર પાડ્યું હોવાનું કહેવાય છે. આ સિંગલ એન્જિન વિમાન એટલાન્ટિક કિનારે વેસ્ટ પામ બિચ નજીક પહોંચ્યું ત્યારે પાયલટ બેહોશ થઇ ગયો હતો. વિમાન નીચેની તરફ સરકી રહ્યું અને ગમે ત્યારે દરિયામાં તૂટી પડે એવી સંભાવના હતી. એક પ્રવાસીએ કોકપિટ રેડિયોમાંથી નજીકના ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો હતો. પ્રવાસીએ કહ્યું હતુંઃ વિમાનનો પાયલટ બેહોશ થઈ ગયો છે. મને ખબર પડતી નથી કે હું શું કરું? વિમાન ઉડાડવાની સાધારણ સમજ પણ મને નથી. નજીકના ફોર્ડ પીઅર્સ એરપોર્ટના ટ્રાફિક કંટ્રોલર તેની સાથે તેનો સંપર્ક થયો હતો.
20 વર્ષના અનુભવી ટ્રાફિક કંટ્રોલરે સ્થિતિની ગંભીરતાને જોઇને પ્રવાસીને શાંત્વના આપીને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું. પ્રવાસીએ કહ્યું હતું કે ફ્લોરિડાનો તટ દેખાય છે. એ પછી કંટ્રોલરે તેને ફ્લાઇટને સંતુલીત રાખીને કિનારો ઓળંગી જવાની સલાહ આપી હતી. એ સાથે જ વિમાન ફોર્ડ પીઅર્સ એરપોર્ટની રેન્જમાં આવ્યું હતું. એ પછી કંટ્રોલરની સૂચના પ્રમાણેના કમાન્ડ આપીને વિમાનનું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું અને લોકોનો જીવ બચાવ્યો હતો.