ન્યૂજર્સી સ્ટેટ, લોકલ બેનિફિટ્સ પ્રોગ્રામ્સ અને અન્ય વીમા કંપનીઓમાં વિવિધ છેતરપિંડીયુક્ત દાવા કરીને 3.4 મિલિયન ડોલરથી વધુની ઉચાપત કરવાનો આરોપ નેવાર્કના એક ફિઝિશિયન અને વેસ્ટ ન્યૂયોર્કના એક શખ્સ સામે મુકવામાં આવ્યો છે, તેવી જાહેરાત ગત સપ્તાહે યુએસ એટર્ની ફિલિપ આર. સેલિંગરે કરી હતી.
ન્યૂજર્સીમાં વેસ્ટ ન્યૂયોર્કના રહેવાસી 53 વર્ષીય કૈવલ પટેલ અને ન્યૂજર્સીમાં વૂડબ્રિજના રહેવાસી 51 વર્ષીય એમડી સૌરભ પટેલ પર હેલ્થ કેર ઉચાપત અને છેતરપિંડીનું કાવતરું ઘડવામાં 12 ગુના કરવાનો આરોપ મૂકવામાં આવ્યા છે. કૈવલ પટેલ પર મની લોન્ડરિંગનું કાવતરું અને ફેડરલ એજન્ટોને ખોટા નિવેદનો આપવાનો પણ આરોપ છે. આ બંને વીડિયો કોન્ફરન્સ દ્વારા યુએસ મેજિસ્ટ્રેટ જજ શેરોન એ. કિંગ સમક્ષ ઉપસ્થિત થયા હતા અને તેઓ વ્યક્તિગત રીતે 250,000 ડોલરના અસુરક્ષિત બોન્ડ પર મુક્ત થયા હતા.
આરોપનામામાં જણાવ્યા મુજબ કૈવલ પટેલ અને તેમની પત્ની, જેમનો આરોપનામામાં ‘વ્યક્તિ 1’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દવાઓ સહિત મેડિકલ ચીજ-વસ્તુઓ અને સર્વિસીઝનું માર્કેટિંગ કરવા માટે તેઓ એબીસી હેલ્ધી લિવિંગ એલએલસી (ABC) નામથી કંપનીનું સંચાલન કરતા હતા. જ્યારે નેવાર્કમાં સૌરભ પટેલ એક મેડિકલ ડોક્ટર છે જેઓ ક્લિનિકની માલિકી ધરાવતા હતા અને તેનું સંચાલન કરતા હતા, તેમનો આરોપનામામાં ‘મેડિકલ પ્રેક્ટિસ 1’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સૌરભ પટેલ, કૈવલ પટેલ અને વ્યક્તિ 1 સાથે સંબંધ ધરાવે છે. જ્યારે કાવતરાખોર તરીકે રજૂ કરવામાં આવેલા ફાર્માસ્યુટિકલ સેલ્સ રીપ્રેઝન્ટેટિવ પૌલ કેમર્ડાને 6 જુલાઈ, 2021ના રોજ કેમડેન ફેડરલ કોર્ટમાં જજ કુગલર સમક્ષ હેલ્થ કેર અને મની લોન્ડરીંગમાં ષડયંત્ર રચવા તેમ જ ન્યાયમાં અવરોધ ઊભો કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેમની સજાની જાહેરાત થવાની બાકી છે.
હેલ્થ કેર ફ્રોડ અને વાયર ફ્રોડનું ષડયંત્ર રચવાના ગુનામાં વધુમાં વધુ 20 વર્ષની જેલ સજા થવાની સંભાવના હોય છે. જ્યારે હેલ્થ કેર ફ્રોડના આરોપમાં વધુમાં વધુ 10 વર્ષ અને ખોટા નિવેદનના ગુનામાં વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે. આ તમામ ગુનામાં 250,000 ડોલરનો દંડ, અથવા મેળવેલી રકમનો બેગણો અથવા ગુનાથી થયેલ નુકસાનમાંથી સૌથી વધુ જે હોય તેનો દંડ પણ ફટકારવામાં આવે છે. મની લોન્ડરીંગના આરોપમાં વધુમાં વધુ 10 વર્ષની જેલ સજા અને 250,000 ડોલર સહિતનો દંડ ફટકારવામાં આવે છે. આરોપનામામાં સમાવેશ કરવામાં આવેલા ગુનાઓ અને આક્ષેપો માત્ર આરોપો છે, અને જ્યાં સુધી તેઓ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેઓ નિર્દોષ હોવાનું માનવામાં આવે છે.