ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાન પીયૂષ ગોયલ (Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ભારત અને બ્રિટનને મુક્ત વેપાર સમજૂતી (FTA) માટે પહેલી નવેમ્બર 2021થી મંત્રણા ચાલુ કરવાની યોજના બનાવી છે. આ સર્વગ્રાહી સમજૂતી પહેલા વહેલાસરના લાભ માટે વચગાળાની અર્લી હાર્વેસ્ટિંગ સમજૂતી કરવામાં આવશે, એમ ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયે જણાવ્યું હતું.

બંને દેશો આગામી વર્ષના માર્ચ સુધીમાં વચગાળાની વેપાર સમજૂતી કરવા માંગે છે. આ પછી બંને દેશો વચ્ચે સર્વગ્રાહી મુક્ત વેપાર સમજૂતી (FTA) થશે. વચગાળાની સમજૂતીમાં ટોચનું પ્રાધાન્ય ધરાવતી કેટલીક મહત્ત્વની પ્રોડક્ટ્સ અને સર્વિસમાં ટેરિફ અને માર્કેટ એક્સેસ અંગે પ્રારંભિક કન્સેશન આપવાની દરખાસ્ત છે.

કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વચગાળાની વેપાર સમજૂતી એફટીએ માટેનું પ્રથમ પગલું છે. આ ભાગીદારીથી બંને દેશોને વિપુલ પ્રમાણમાં વહેલાસરના લાભ થશે.

તાજેતરમાં પીયૂષ ગોયલે આ મુદ્દે બ્રિટનના તેમના સમકક્ષ એલિઝાબેઝ ટ્રુસ સાથે મંત્રણા કરી હતી. વચગાળાની સમજૂતીમાં પરસ્પર હિતની કેટલીક સર્વિસનો રિક્વેસ્ટ-ઓફર-એપ્રોચ મારફત સામેલ થવાની ધારણા છે. તેમાં ભારત પ્રાધાન્ય ધરાવતા ક્ષેત્રોનો સામેલ કરે તેવી ધારણા છે.

ગોયલે જણાવ્યું હતું કે “ જો જરૂર પડશે તો અમે નર્સિંગ અને આર્કિટેક્ચર સર્વિસસ જેવી પસંદગીની અમુક સર્વિસમાં કેટલીક મ્યુચ્યુઅલ રિકગ્નિશન એગ્રીમેન્ટ્સ પણ કરી શકીએ છીએ.” સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારત અને બ્રિટન વચ્ચે સૂચિત એફટીએથી બિઝનેસ અને રોજગારીની અસાધારણ તકનું નિર્માણ થવાની ધારણા છે. બંને પક્ષોએ તમામને લાભ થાય તે રીતે વેપારને વેગ આપવાની નવેસરથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.”

મે મહિનામાં ભારત અને બ્રિટનને નવા કરાર કર્યા હતા. તેમાં એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ (ETP)ના પ્રારંભનો સમાવેશ થાય છે. તેમાં સર્વગ્રાહી મુક્ત વેપાર સમજૂતી તથા વહેલાસરના લાભ માટે વચગાળાની સમજૂતીની મંત્રણા પણ સામેલ છે.

પ્રધાને જણાવ્યું હતું કે એફટીએ અંગે બંને દેશોના બિઝનેસ સમુદાયને પુષ્કળ રસ છે. બંને દેશોના બિઝનેસને ઝડપી અને વહેલા આર્થિક લાભ માટે મંત્રણા વહેલી પુરી થાય તે માટે પણ ઘણી જ આતુરતા છે. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે વ્યાપક કામ કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રી-બિઝનેસ એસોસિયેશન્સ, નિકાસ પ્રોત્સાહન કાઉન્સિલ્સ, બાયર્સ-સેલર્સ એસોસિયેશન, નિયમનકારી એજન્સીઓ, સરકારના મંત્રાલય, વિભાગો, પબ્લિક રિસર્ચ એજન્સીઓ વગેરેને સામેલ કરીને હિતકારોની વ્યાપક મંત્રણા કરવામાં આવી છે.