ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના ૨૫ જિલ્લામાં કોરોનાના ૧૭૪૩ કેસ નોંધાયા છે જ્યારે હજુ ૮ જિલ્લા એવા છે જ્યાં કોરોના પગપેસારો કરવામાં નિષ્ફળ રહ્યું છે. ગુજરાતના જે ૮ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેમાં દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ-તાપી- નવસારી-ડાંગ, સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર-જુનાગઢ-દેવભૂમિ દ્વારકા-અમરેલીનો સમાવેશ થાય છે.

આ ૮ જિલ્લાઓમાં હજુ સુધી કોવિડ-૧૯ના કુલ ૧૭૩૧ના ટેસ્ટ કરાયા છે. બીજી તરફ ગુજરાતમાં અમદાવાદ કોરોના મામલે ‘એપિસેન્ટર’ બની ગયું છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસના ૬૩.૧૧% માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે. આ સિવાય સુરતમાંથી ૧૪.૦૬%, વડોદરામાંથી ૧૦.૦૪% કેસ નોંધાયા છે.

આમ, ગુજરાતમાં કોરોનાના ૮૭.૧૧% કેસ માત્ર અમદાવાદ-સુરત અને વડોદારમાંથી જ નોંધાયા છે તેમ કહી શકાય. એક જ જિલ્લામાં ૧ હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવું અમદાવાદ બીજું છે. અગાઉ મુંબઇમાંથી સૌથી વધુ ૨૨૬૮ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં આજે કોરોનાના નવા ૨૩૯ કેસ ઉમેરાયા હતા.