(istockphoto.com)

કેનેડાના ઓન્ટારિયામાં રિચમંડ હિલ સિટીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અપમાનિત કરવા અંગે ભારતે બુધવારે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને તપાસની માગણી કરી હતી. યોર્ક રિજનલ પોલીસને ટાંકીને કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી)એ જણાવ્યું હતું કે રિચમંડ હિલ સિટીના યોંગ સ્ટ્રીટ એન્ડ ગાર્ડન એવન્યૂ એરિયામાં વિષ્ણુ મંદિરમાં આવેલી મહાત્માની મૂર્તિની તોડફોડ કરવામાં આવી હતી.

ટોરન્ટો સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમે રિચમન્ડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવાની ઘટનાથી દુઃખી છીએ. છીએ. આ ગુનાહિત અને ધૃણાસ્પદ કૃત્યની ઘટનાએ કેનેડામાં ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અમે આ હેટ ક્રાઇમની તપાસ માટે કેનેડાના અધિકારીઓના સંપર્કમાં છે.

યોર્ક પોલીસે આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. પોલીસ પ્રવક્તા અમી બૌદ્રેઉએ કહ્યું હતું કે કોઈ ઉપદ્રવીએ બળાત્કારી અને ખાલિસ્તાન જેવા શબ્દ લખીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. યોર્ક પોલીસ કોઈપણ રીતે હેટ ક્રાઈમને ચલાવી લેશે નહિ. જે લોકો રંગભેગ, રાષ્ટ્રીયતા, જાતીય મૂળ, ભાષા, રંગ, ધર્મ, ઉંમર, લિંગના આધારે બીજાને પરેશાન કરે છે તેમની પર કેસ ચલાવવામાં આવશે.કેનેડામાં આશરે પાંચ મહિના પહેલાં પણ ગ્રેટર ટોરન્ટો એરિયામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી.