પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત સરકારે બુધવારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ.૫૦નો વધારો કર્યો હતો. આ સાથે એક વર્ષમાં ગેસ સિલિન્ડરનો ભાવ કુલ રૂ.૨૪૪ વધ્યો છે. દિલ્હીમાં ૧૪.૨ કિગ્રા.ના નોન-સબસિડાઇઝ્ડ સિલિન્ડરનો ભાવ હવે રૂ.૧,૦૫૩ થયો છે, જે અગાઉ રૂ.૧,૦૦૩ હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વૃદ્ધિને કારણે એક વર્ષમાં નોન-સબસિડાઇઝ્ડ સિલિન્ડરના ભાવમાં આઠ વખત કુલ રૂ.૨૪૪ અથવા ૩૦ ટકાનો વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે સબસિડી માત્ર ઉજ્જવલા યોજનાના ગરીબ લાભાર્થીઓ પૂરતી મર્યાદિત કરી હોવાથી સામાન્ય પરિવારોએ સિલિન્ડર માટે નોન-સબસિડાઇઝ્ડ દર ચૂકવવો પડે છે.

યુક્રેન યુદ્ધ પછી રાંધણ ગેસના ભાવમાં આ ચોથો વધારો છે. પહેલાં ૨૨ માર્ચ અને ત્યાર પછી ૭ મેના રોજ સિલિન્ડરનો ભાવ રૂ.૫૦ વધારાયો હતો. ૧૯મેના રોજ સિલિન્ડર વધુ રૂ.૩.૫૦ મોંઘું થયું હતું. આ સાથે માર્ચ ૨૦૨૨થી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં કુલ રૂ.૧૫૩.૫૦નો વધારો નોંધાયો છે.