પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બર્લિનમાં જર્મનીના સૌથી મોટા હિન્દુ – ગણપતિ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. 70 વર્ષના વિલ્વનાથ કૃષ્ણમૂર્તિની 20 વર્ષની મહેનત પછી આ મંદિર સાકાર થઈ રહ્યું છે. અત્યારે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી. આ માટે દિવાળીએ છ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
50 વર્ષ અગાઉ બર્લિન ગયેલા કૃષ્ણમૂર્તિનું સ્વપ્ન હતું કે, તેઓ ત્યાં પોતાના સમુદાય માટે શ્રી ગણેશ મંદિરની સ્થાપના કરે. તેઓ ત્યાં ઇલેક્ટ્રિકલ કંપની – એઇજીમાં કામ કરતા હતા ત્યારે તેમણે

2004માં એક એસોસિએશન બનાવ્યું હતું. આ માટે બર્લિનના સત્તાધિશોએ તેમને ત્યાં જમીન આપી હતી, પરંતુ પર્યાપ્ત ભંડોળ ન હોવાના કારણે 2007માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવાનું હતું તે 2010 સુધી શરૂ થઇ શક્યું નહોતું. આ મંદિરનું નિર્માણ કાર્ય અનેક તબક્કા અને જુદી જુદી મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું. ઇન્ડિયન એમ્બેસીના જણાવ્યા અનુસાર અત્યારે બર્લિનમાં 15 હજાર જેટલા ભારતીયો વસે છે.

આ અંગે કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, આ મંદિરનું નિર્માણ દાનની મદદથી પૂર્ણ થયું હતું. બર્લિન સેનેટ તરફથી અમને કોઇ મદદ મળી નથી. ધીમે ધીમે બર્લિનમાં ઇન્ડિયન ટેકનોલોજી પ્રોફેશનલ્સની સંખ્યા વધી હોવાથી તેમની પાસેથી દાન મળતું ગયું હતું. અત્યારે બર્લિનમાં એમેઝોન ટાવરની સૌથી મોટી બિલ્ડિંગ બની રહી છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં લોકો ઉદારતાથી દાન આપી રહ્યા છે. અત્યારે મંદિર તૈયાર થઇ ગયું છે પરંતુ તેમાં ભગવાન નથી. પાંચ હજાર વર્ષની પ્રાચીન પદ્ધતિ દ્વારા પથ્થરોમાંથી ખાસ ઘડવામાં આવેલી કુલ 27 મૂર્તિઓ ભારતથી ત્યાં પહોંચાડવામાં આવશે. નવેમ્બરમાં દિવાળીની આસ-પાસના દિવસોમાં ત્યાં છ દિવસનો સ્પેશિયલ કુંભાભિષેક મહોત્સવ યોજાશે, ત્યારપછી મંદિરનું લોકાર્પણ કરાશે.

કૃષ્ણમૂર્તિ કહે છે કે, તેઓ યુવાન હતા ત્યારે બર્લિનમાં ક્રુઝબર્ગના નાના મંદિરે જતા હતા. તેઓ દર વર્ષે પશ્ચિમ જર્મનીના શહેર હેમ્મમાં તીર્થયાત્રાએ જતા હતા, જ્યાં વીસેક વર્ષ અગાઉ તમિલ સમુદાયે જર્મનીના અત્યાર સુધીના સૌથી મોટા હિન્દુ મંદિરની સ્થાપના કરી હતી.

LEAVE A REPLY

20 − 12 =