સુરતના વરસાદની ફાઇલ તસવી(ANI Photo)

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લાં બે દિવસ (6-7 જુલાઈએ) અનરાધાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છ જુલાઈએ સવાર આઠ વાગ્યા સુધીમાં કોડિનારમાં 182 મીમી, સુત્રાપાડામાં 157મીમી, વેરાવળમાં 126, માગરોળમાં 118, હળવદમાં 57 અને ધરમપુરમાં 55મીમી વરસાદ નોંધાયો હતો. સત્તાવાળાએ તાલુકા સ્તરે ઇમર્જન્સની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત ટીમો તૈયાર રાખી છે.

બારે મેઘ ખાંગા થયા હોય તેમ સૂત્રાપાડા અને કોડીનારમાં બે દિવસમાં મુશળધાર 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો અને ચોતરફ જળ બંબાકાર સર્જાયો હતો. જુનાગઢ જિલ્લામાં પણ મુશળધાર વરસાદનો સિલસિલો જારી રહ્યો હતો અને માંગરોળમાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતાો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 30થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં એકધારા વરસ્યા અને અન્યત્ર સામાન્ય વરસાદ રહ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ગત રાત્રિના એક વાગ્યે લોકો નિદ્રાધીન હતા ત્યારે તોફાની વરસાદ શરૂ થયો હતો અને આભ ફાટયું હોય તેમ માત્ર 12 કલાકમાં જ 13 ઈંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા, દરિયાકાંઠાના વેલણ, કોટડા,માઢવડ, માલશ્રમ, મુળદ્વારકા, સરખડી, મઠ, છારા સહિત ગામોમાં અતિ ધોધમાર વરસ્યો હતો. ગીર જંગલના ઘાટવડ, જામવાળા, છાછર, રોણાજ, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાળા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચરિયા, પેઢાવાળા સહિત ગામો જળબંબોળ થયા હતા. સૂત્રાપાડામાં 331 મિ.મિ.સહિત 16 ઈંચ વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા. કણજોતર ગામ પાસે ઉમટ નદીમાં પાણી આવતા કોડીનારથી સૂત્રાપાડાનો રસ્તો બંધ થયો હતો.

બુધવારે તોફાની વરસાદ બાદ ગુરુવારે પણ સવારથી અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ બંધાયા બાદ ભારે વરસાદ શરુ થઈ ગયો હતો. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. ભારે વરસાદના લીધે કેટલાક ગામો બેટમાં ફેરવાયા હતા. સુત્રાપાડા, વેરાવળ અને કોડિનારમાં ત્રણે તાલુકાઓમાં ભારે વરસાદ આવ્યો હતો, જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાનમાં આવેલા પલ્ટાની અસર દરિયામાં પણ જોવા મળી રહી હતી. રિપોર્ટ્સ મુજબ ગીર સોમનાથમાં ભારે વરસાદની સ્થિતિને જોતા સ્કૂલોમાં બાળકોને રજા આપવાનો નિર્ણય લેવાયો હતો. સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. બુધવારે કોડિનારમાં 7.5 ઈંચ, સુત્રાપાડામાં 6.5 ઈંચ અને વેરાવળમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે આ તાલુકાઓના કેટલાક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા અન્ય ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ભારે વરસાદના લીધે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ સક્રિય બન્યા હતા. જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને NDRFની ટીમને પણ અહીં ઉતારવામાં આવી છે.