એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના પેટ્રન ગોપાલભાઇ પોપટને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શનિવાર તા. 12ના રોજ ઝૂમ પર શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. જેમાં જાણીતા સંતો-અગ્રણીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કરી ગોપાલદાસ પોપટની સેવા કામગીરીની સરાહના કરી હતી.

પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમના પૂ. સંત શ્રી રમેશભાઇ ઓઝાએ વિવિધ શ્લોકોને ટાંકીને ગોપાલકાકાને અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’ગોપાલભાઇ હંમેશા બીજાના માટે જીવ્યા હતા અને તેમણે સેવાનો ભેખ ધારણ કર્યો હતો. તેઓ હંમેશા બીજાને કેમ મદદ થઇ શકે તેવો વિચાર કરતા. સેવા પ્રવૃત્તી માટે તેઓ ઘણી વખત પોતાના સુખનો ત્યાગ કરતા હતા. તેમના જવાથી સમાજને અને ખાસ કરીને લાચાર અને જરૂરતમંદ લોકોને બહુજ મોટી ખોટ પડશે.’’

ઋષીકેશથી પૂ. ચિદાનંદ સરસ્વતીજી – મુનીજીએ શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે ‘’જે પોતાના માટે જીવે છે તેમનું મરણ થાય છે. પણ જે અન્ય લોકો માટે જીવે છે તેમનું તો સ્મરણ થાય છે. ગોપાલદાસ પોપટને કથાઓ કરાવવામાં ખૂબ જ રસ હતો. તો બધાને જોડતા હતા. તેઓ સાચા અર્થમાં વૈષ્ણવ હતા જેઓ બીજાની પીડાને જાણતા હતા.’’

પૂ. રામબાપાએ ગોપાલદાસ સાથેના જુના સંબંધોને યાદ કરી તેમની સેવા કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું કે ગોપાલદાસનો હાથ હંમેશા સેવા કરવા માટે લંબાતો હતો. તેઓ દુખીયાના ભેરૂ હતા.’’

પોરબંદર સ્વામીનારાયણ ગુગરૂકુળના ભાનુ સ્વામીએ જણાવ્યું હતું કે ‘’ગોપાલકાકાએ સેવાને જીવનમંત્ર બનાવ્યો હતો અને સ્વામિનારાયણ નર્સીંગ કોલેજનો પ્રોજેક્ટ તેમનો હતો.‘’

લોર્ડ જીતેશ ગઢીયાએ જણાવ્યું હતું કે ‘’ગોપાલભાઇ દરેસ સેન્સમાં સાચા પાયોનીયર હતા. પૂ. મુનીજીના જ્ઞાનકોષ માટે વિશ્વ મંગલ મહોત્સવની પૂ. રમેશભાઇ ઓઝાની કથામાં હું તેમને મળ્યો હતો. તેમણે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ માટે £5  મિલિયન એકત્ર કર્યા હતા તેજ તેમના પ્રત્યેનો લોકોનો વિશ્વાસ બતાવે છે. તેમણે આખા વિશ્વના દેશોમાં એમ્બ્યુલન્સ આપી હતી. જે તેમની સેવા પ્રત્યાની ધગશ દર્શાવે છે.’’

સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે ‘’ગોપાલભાઇનું જીવન કલંક વગરનું હતું. અમે ખુદ તેમની સેવાના સાક્ષી છીએ. સેવા કરવી તે જ તેમનું ધ્યેય હતું.’’

ગરવી ગુજરાતના મોભી પાર્વતીબેન સોલંકી વતી ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ‘’ગોપાલકાકા અવારનવાર મારા પિતાશ્રી રમણિકલાલ સોલંકીને મળવા આવતા અને તેઓ અમારા પારિવારીક મિત્ર હતા. તેઓ હંમેશા ચેરીટી કાર્યો માટે પ્રોત્સાહિત કરતા. તેઓ ગરવી ગુજરાતને પોતાનું પેપર માનતા. મારા ભાઇ શૈલેષ ખુદ એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટી છે. ગોપાલકાકાએ લોકો માટે પોતાના જીવનનું દાન કરી દીધું હતું. અમે ગરવી ગુજરાત પરિવાર તરફથી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.‘’

આ પ્રાર્થના સભામાં મુંબઇથી કથાકાર ભૂપેન્દ્રભાઇ પંડ્યા, ધરમપુરથી કથાકાર શરદભાઇ વ્યાસ, આશિર્વાદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મુકેશભાઇ વિઠલાણી, વલ્લભનિધિ મંદિરના ચેરમેન નરેન્દ્રભાઇ ઠકરાર, લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન સુભાષભાઇ ઠકરાર, કથાકાર રમણિકભાઇ દવે, કલ્પનાબેન જાની-અમદાવાદ, વીણાબેન અને નરેશભાઇ નાગરેચા, લાભશંકરભાઇ ઓઝા, મુરફિલ્ડ આઇ હોસ્પિટલમા નિયાઝ ઇસ્લામ, લોહાણા કોમ્યુનિટી વેસ્ટ લંડનના પ્રેસિડેન્ટ દિનેશભાઇ સોનછત્રા સહિત અન્ય આગ્રણીઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

સંપર્ક: હિતેશભાઇ પોપટ (પુત્ર) – 07768 876 859.