Getty Images

1984 પછી પહેલીવાર શીખોના સર્વોચ્ચ તીર્થધામ અમૃતસરના સુવર્ણ મંદિરને વિદેશમાંથી દાન લેવાની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગી આગામી પાંચ વર્ષ માટેની છે.

શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી ઘણા વર્ષોથી કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહી છે. કમિટીએ આ વર્ષના મે મહિનામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સ્વ. વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ સુવર્ણમંદિરમાં છૂપાયેલા ખાલિસ્તાની નેતા સંત જર્નૈલ સિંઘ ભીંદરવાલે અને બીજા સશસ્ત્ર સમર્થકોનો સફાયો કરવા સુવર્ણમંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવ્યું હતુ અને તે પછી સુવર્ણમંદિરને વિદેશી દાન લેવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સચખંડ શ્રી હરમંદિર સાહેબ શ્રી દરબાર સાહેબ પંજાબ એસોસિયેશનને વિદેશી દાન (નિયમન) ધારા હેઠળ વિદેશી દાન લેવાની પરવાનગી આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્ર્યાલયે સુવર્ણ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન અને અન્ય સુવિધાઓ આપવા માટે વિદેશી ફંડ લેવાની મંજૂરી આપી છે. શ્રદ્ધાળુઓને ભોજન આપતા લંગરનું સંચાલન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ કરી રહી હતી. વર્ષ 1925માં સ્થપાયેલું સચખંડ શ્રી હરમંદિર સાહેબ શ્રી દરબાર સાહેબ પંજાબ એસોસિયેશન અત્યાર સુધી માત્ર દેશની અંદર દાન ફાળો લઇ શકતું હતું. હવે એને વિદેશી દાન લેવાની પરવાનગી આપવામાં આવી છે.