દિલ્હી હાઇ કોર્ટે ટ્રેડમાર્ક માલિક કંપનીની વેબસાઇટ પરથી વિજ્ઞાપનદાતાના વેબ પેજ પર ટ્રાફિક ડાઇવર્ટ કરવાના મુદ્દાની તપાસ કરવા ગૂગલને આદેશ આપ્યો છે. હાઇ કોર્ટે ટીપ્પણી કરી હતી કે જાહેરખબર વાણીની સ્વતંત્રતાનો હિસ્સો છે, પરંતુ તેનાથી કોઇ ટ્રેડમાર્ક માલિક કંપનીને નુકસાન થવું જોઇએ નહીં.
હાઇ કોર્ટે જણાવ્યું હતું કે જાહેરખબર વાણીની સ્વતંત્રતા છે, પરંતુ તેનાથી કોઇ ટ્રેડમાર્ક ધારકને નુકસાન ન થવું જોઇએ. હાઇ કોર્ટે જણાવ્યું હતું કે જાહેરખબરના માધ્યમથી કમાણી કરનાર ગૂગલ એવી જાહેરખબરો માટે જવાબદાર છે, કે જે પોતાના ફાયદા માટે ટ્રેડમાર્ક માલિકની ગુડવિલનો ઉપયોગ કરે છે.
કોર્ટે જણાવ્યું હતું કે ગૂગલ તેની નીતિઓ મુજબ સંબંધિત કીવર્ડ મારફત ટ્રેડમાર્કના ઉપયોગની તપાસ કરે છે, પરંતુ તે યુરોપિયન યુનિયન પૂરતું સીમિત છે. ભારતમાં આ નીતિનું પાલન કરવામાં આવતું નથી.
હાઇ કોર્ટે અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સ લિમિટેડની ફરિયાદની તપાસ કરવા ગૂગલ ઇન્ડિયા લિમિટેડ અને ગૂગલ એલએલસીને આદેશ આપ્યો હતો. કંપનીએ આરોપ લગાવ્યો હતો કે સંબંધિત કીવર્ડના સ્વરૂપમાં તેના ટ્રેડમાર્ક અને તેની સાથે જોડાયેલા શબ્દોનો ઉપયોગ કરીને વેબ ટ્રાફિક તેની પોતાની વેબસાઇટ પરથી વિજ્ઞાપનદાતાની સાઇટ પર ડાઇવર્ટ કરવામાં આવી રહ્યો છે.
ન્યાયમૂર્તિ વી કે રાવે પોતાના 137 પેજના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રેડમાર્કનો કીવર્ડનો સ્વરૂપમાં ઉપયોગ કરીને વેબટ્રાફિક ટ્રેડમાર્ક માલિકની વેબસાઇટ પરથી વિજ્ઞાપનદાતાના વેબપેજ પર ડાઇવર્ટ કરવામાં આવે છે તે અંગે કોઇ આશંકા નથી. તેનાથી ટ્રેડમાર્ક માલિક કંપનીની શાખ અને વિશ્વસનીયતાને નુકસાન થાય છે. આ મુદ્દે ગૂગલે તપાસ કરવી જોઇએ. જોકે કોર્ટે જણાવ્યુ હતું કે આ પ્રથમદર્શીય કેસ છે.













