(PIB/PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિનેશન અભિયાનને હવે ડોર-ટુ-ડોર લઈ જવાની જરૂર છે અને બીજો ડોઝ લઈને સંપૂર્ણ રસીકરણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. મોદીએ આરોગ્ય કાર્યકરોને ‘હર ઘર દસ્તક’નો મંત્ર અપનાવીને ‘ઘર-ઘર ટીકા’ની હાકલ કરી હતી

મોદીએ જણાવ્યું હતું કે નવી કટોકટી આવી શકે છે. આપણે બિમારી અને દુશ્મનોની ક્ષમતાને ક્યારેય ઓછી આંકવી ન જોઇએ. આ બંનેનો ખાતમો થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવી જોઇએ.કોરોના વેક્સિનના બીજા ડોઝને સમાન મહત્ત્વ આપવા પર ભાર મૂકીને વડાપ્રધાને જણાવ્યું હતું કે વાઇરસના કેસોમાં ઘટાડો ચાલુ થાય ત્યારે લોકોના મનમાં વેક્સિનનું મહત્ત્વ ઓછું થવા લાગે છે.ઓછું વેક્સિનેશન ધરાવતા 40 જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે વાતચીત દરમિયાન મોદીએ આ નિવેદન આપ્યું હતું.

કોરોના રસી અંગેની અફવા અને ગેરસમજો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેનો એકમાત્ર ઉકેલ જાગૃતિ ફેલાવાનો છે. આ સંદર્ભમાં રાજ્યોના અધિકારીઓએ ધાર્મિક વડાઓની મદદ લેવી જોઇએ. ધાર્મિક વડાઓ રસીકરણ અભિયાન અંગે ઘણા ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસે જાહેર જનતામાં વેક્સિન અંગે ધાર્મિક નેતાઓના સંદેશને લઈ જવા પર ખાસ ભાર મૂક્યો હતો.

વડાપ્રધાનને તાકીદ કરી હતી કે અધિકારીઓએ લોકોને વેક્સિનેશન સેન્ટર પર લઇ આવવાની અગાઉની વ્યવસ્થાને બદલે હવે ડોર-ટુ-ડોર વેક્સિનેશન ચાલુ કરવું જોઇએ. આરોગ્ય કાર્યકરોએ ‘હર ઘર ટીકા, ઘર-ઘર ટીકા’ની ભાવના સાથે દરેક ઘરમાં જવું જોઇએ. અધિકારીઓએ બંને ડોઝના સંપૂર્ણ રસીકરણને સુનિશ્ચિત કરવા ‘હર ઘર દસ્તક’નો ઉત્સાહ દર્શાવવો જોઇએ.

મોદીએ જણાવ્યું હતું કે હવે આપણે રસીકરણ અભિયાન દરેક ઘર સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યાં છીએ. હર ઘર દસ્તકના મંત્ર સાથે બે ડોઝની સુરક્ષા ન ધરાવતા દરેક ઘરનો સંપર્ક કરવામાં આવશે.