ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના નવા કેસનો આંકડો 3 હજારથી વધુનો રહ્યો છે. મંગળવારે (6 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના નવા 3,280 નવા કેસ નોંધાયા હતા અને 17 દર્દીઓના મોત થયા હતા. સતત 13માં દિવસે ગુજરાતમાં કોરોનાના કેસના નવા રેકોર્ડ નોંધાયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાંચ પરિવારજનો કોરોનાથી ચેપગ્રસ્ત થયા હતા. મુખ્યપ્રધાનના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને ભત્રીજો અનિમેષ રૂપાણી રાજકોટમાં હોમ આઇસોલેટ થયા હતા. કોરોના કેસોમાં ઉછાળાને પગલે ગુજરાત હાઇકોર્ટે મંગળવારે રાજ્યમાં ત્રણથી ચાર દિવસનું લોકડાઉન લાદવાનું રાજ્ય સરકારને સૂચન કર્યું હતું. તેનાથી રાજ્યમાં લોકડાઉનની ચર્ચાએ વેગ પકડ્યો હતો અને લોકોએ જરૂરી વસ્તુઓની ખરીદી માટે મોલ અને દુકાનમાં લાઇનો લગાવી હતી.

મંગળવારે સાંજે જારી થયેલી સત્તાવાર માહિતી મુજબ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2,167 લોકો કોરોનાથી રીકવર થયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,348 થઈ હતી, જેમાંથી 117 દર્દી ગંભીર હાલતમાં હતા. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,24,878 થઈ હતી અને મૃત્યુઆંક વધીને 4,591 થયો હતો.

અમદાવાદમાં કોરોના વાઇરસના નવા 817 કેસ નોંધાયા હતા અને સાત વ્યક્તિના મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 811 કેસ નોંધાયા હતા અને સાતના મોત થયા હતા. રાજકોટમાં નવા 385 કેસ નોંધાયા હતા અને બે વ્યક્તિના મોત થયા હતા, જ્યારે વડોદરામાં 342 નવા કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 73, પાટણમાં 107 અને મહેસાણામાં 63 નવા કેસ નોંધાયા હતા

ગુજરાત હાઈકોર્ટેના સૂચન પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં સરકારના વકીલ કમલ ત્રિવેદી સાથે આ અંગે ચર્ચા થઈ છે. સમગ્ર રીપોર્ટ સાંજે ગાંધીનગર પહોંચશે અને તેના પર ચર્ચા-વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવાશે.

રાજ્યમાં રેમડેસીવીર ઈન્જેક્શનોની અછત ન હોવાના દાવો કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે દવાની કોઈ શોર્ટેજ નથી. સરકારે રેમડેસીવિરના ત્રણ લાખ ડોઝનો ઓર્ડર કર્યો છે. ગુજરાતની જ કંપની ઈન્જેક્શન બનાવે છે. રોજના 20-25 હજાર ઈન્જેક્શનનો હાલ સપ્લાય ચાલુ કરી દેવાયો છે. સુરતમાં પણ સોમવારે બે હજારનો સ્ટોક હતો અને આજે રાત સુધીમાં બીજા અઢી હજાર ઈન્જેક્શન પહોંચી જશે. રૂપાણીએ જાહેરાત કરી હતી કે સુરતમાં થોડા સમયમાં 800 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે. સુરતમાં સંજીવની રથોની સંખ્યા આગામી દિવસોમાં વધારીને 100 સુધી કરવામાં આવશે.

સુરતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાથી સ્થિતિ ગંભીર બની રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે. સુરતમાં ઓક્સિજનના એક સપ્લાયરના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ સામાન્ય હતી ત્યારે રોજ 20 ટન જેટલો ઓક્સિજન પુરવઠો સપ્લાય કરવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજ 200 ટનથી વધુ ઓક્સિજન પુરવઠાની માગ રહે છે. આની સામે આશરે 100 ટન ઓક્સિજન સપ્લાય કરવામાં આવે છે. ઓક્સિજનની માગ દસ ગણી વધી ગઈ છે.