અમદાવાદમાં 19 જુલાઈએ વરસાદથી રોડ પર પાણી ભરાયા હતા.

ગુજરાતમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 25 જુલાઈ સુધીમાં કુલ ક્ષમતાના 60.08% જળસંગ્રહ થયો હતો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ સંગ્રહ ક્ષમતાનો 63.32% જેટલો જળસંગ્રહ થયો હતો.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,24,494 એમસીએફટી એટલે કે, કુલ જળસંગ્રહ શક્તિના 58.13% જેટલો જળસંગ્રહ થયો હતો.

રાજ્યમાં 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો હતો. જયારે 41 જળાશયોમાં 70%થી 100%ની વચ્ચે, 33 જળાશયો(સરદાર સરોવર સહિત)માં 50%થી 70%ની વચ્ચે, 41 જળાશયોમાં 25%થી 50%ની વચ્ચે, 56 જળાશયોમાં 25%થી ઓછો જળસંગ્રહ થયો હતો. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 35 જળાશયો 100%થી વધુ જ્યારે 18 જળાશયો 90%થી 100% વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર હતા. 8 જળાશયો 80%થી 90% ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70%થી 80% ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી હતી.