પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો શરૂ કરવાની છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાઓ અને આયોજન વચ્ચે સરકારે એકાએક ૨૨મી નવેમ્બરથી રાજ્યમાં ધોરણ ૧થી ૫ની સ્કૂલો શરૂ કરી દેવાની જાહેરાત કરી દીધી હતી. સરકારના ઠરાવ મુજબ રાજ્યમાં આવેલી ગુજરાત, સીબીએસસઈ, આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની સ્કૂલોમાં ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરી શકાશે. સરકારના આ નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે પરંતુ વાલીઓ કોરોનાના ભય અને વેક્સિન બાકી હોવાને લીધે બાળકોને હજુ સ્કૂલે મોકલવા અંગે દ્રિધામાં છે.

ગુજરાતમાં કોરોનાનું બીજું મોજું ઓસર્યા પછી અને કોરોનાના કેસોમાં ઘટાડા સાથે સ્થિતિ કાબુમાં આવ્યા પછી સરકારે તબક્કાવાર ધો.૬થી ૧૨ની સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપી હતી, પરંતુ ધોરણ ૧થી ૫ની સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી નહોતી.

એક બાજુ વાલીઓ ધો.૧થી ૫ના બાળકોને સ્કૂલ મોકલવા તૈયાર નહોતા ત્યારે બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ ફી સહિતના મુદ્દે ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવા અનેકવાર સરકારને રજૂઆત કરી હતી. સરકારે દિવાળી પછી ૧થી ૫ના વર્ગો શરૂ કરવાનું આયોજન કર્યું હતુ અને ૧લી ડિસેમ્બરથી મંજૂરી અપાય તેવી પુરી શક્યતા હતી. પરંતુ દિવાળી પછી કોરોનાના કેસમાં થોડો વધારો થતાં ડિસેમ્બરમાં પણ આ વર્ગો શરૂ કરાશે કે કેમ તે પ્રશ્ન હતો.

ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવા માટે તજજ્ઞાોની કમિટી રચવાની અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તેમજ કોરોનાની પરિસ્થિતિનું આકલન કર્યા બાદ વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી. એ પછી રવિવારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એકાએક ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરી દેવાની ઓચિંતી જાહેરાત કરી દેવાઈ હતી. વાલીઓમાં ફરિયાદ ઉઠી છે કે સરકારે આટલો મોટો ગંભીર નિર્ણય લેવા માટે તજજ્ઞાોની કોઈ કમિટીની પણ રચના કરી નથી કે તજજ્ઞાો સાથે કે વાલી મંડળ સાથે કોઈ ચર્ચા પણ કરી નથી. આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે ચર્ચા કરવાની માત્ર વાતો કરાઈ હતી. સરકારના આ ઓચિંતા અને વહેલા નિર્ણયથી ખાનગી સ્કૂલ સંચાલકો ખુશ છે અને તેઓએ આ નિર્ણયને આવકાર્યો છે.પરંતુ ઘણી સ્કૂલોએ એવી પણ ફરિયાદ કરી છે કે સરકારે વર્ગો શરૃ કરવાની મંજૂરી આપતા પહેલા સંચાલકોને થોડો સમય આપવો જોઈતો હતો.