ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચના અગ્રતા ક્રમે રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ગૃહ વિભાગ દ્વારા નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે અને ટેકનોલોજી આધારિત ચાર નવી સેવા – સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ગાંધીનગરથી ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત CCTV કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ – જીપ અને ૪૦ બાઈક મળી કુલ -૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યું હતું.