ભારતીય ઉદ્યોગમહામંડળ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને યુકેમાં ભારતના હાઈ કમિશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા આ રીપોર્ટનું 5 જૂન 2024ના રોજ લંડનમાં અનાવરણ કરાયું હતું

યુકેમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો રોકાણકાર દેશ ત્યારે ભારતના કયા રાજ્યમાંથી યુકેમાં સૌથી વધુ સીધુ વિદેશી રોકાણ (એફડીઆઇ) આવે તે અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે 2023માં યુકેમાં ઇન્ડિયા એફડીઆઇમાં મહારાષ્ટ્રમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓએ સૌથી વધુ 20 ટકા રોકાણ કર્યું હતું. ગુજરાતની કંપનીઓએ 7.1 ટકા રોકાણ કર્યું હતું. ભારતીય કંપનીઓના એફડીઆઇના સૌથી મોટા લાભાર્થી પ્રદેશોમાં વેસ્ટ મિડલેન્ડ્સ, લંડન અને નોર્થવેસ્ટનો સમાવેશ થાય છે.

ભારતીય ઉદ્યોગમહામંડળ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને યુકેમાં ભારતના હાઈ કમિશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા આ રીપોર્ટનું 5 જૂન 2024ના રોજ લંડનમાં અનાવરણ કરાયું હતું. આ રીપોર્ટમાં ભારતમાંથી યુકેમાં થતાં સીધા વિદેશી રોકાણ (એડીઆઇ)માં ભારતનું કયું રાજ્ય કેટલો હિસ્સો આપે તેનું એનાલિસિસ કરાયું હતું.

‘ઇન્ડિયન એસેટ્સઃ ચાર્ટિંગ ધ જર્ની ઓફ ઇન્ડિયન કંપનીઝ ઇન ધ યુકે’ નામનો રીપોર્ટમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓએ 2023માં યુકેમાં સૌથી વધુ 20 ટકા સીધુ વિદેશી રોકાણ કર્યું હતું. આ પછી કર્ણાટકે 12 અને દિલ્હીએ 8.6 ટકા યોગદાન આપ્યું હતું. ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓએ યુકેમાં 7.1 ટકા રોકાણ કર્યું હતું. આ પછી અનુક્રમે તમિલનાડુની કંપનીઓએ 6.5 ટકા, ઉત્તરપ્રદેશની કંપનીઓએ 5.9 ટકા, હરિયાણાની કંપનીઓએ 4.5 ટકા, પશ્ચિમ બંગાળની કંપનીઓએ 3.14 ટકા અને કેરળની કંપનીઓએ 3.05 ટકા રોકાણ કર્યું હતું. આ દસ રાજ્યોની કંપનીએ યુકેમાં ભારતના એફડીઆઇમાં આશરે 78 ટકા યોગદાન આપ્યું હતું.

CII-HCI લંડનના અહેવાલ મુજબ સોફ્ટવેર અને આઇટી ક્ષેત્રની કંપનીઓએ યુકેમાં સૌથી વધુ રોકાણ કર્યું છે અને સૌથી વધુ રોજગારી પૂરી પાડી છે.

યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડના તાજેતરના ડેટા અનુસાર, યુકે અને ભારત વચ્ચે માલસામાન અને સેવાઓ (નિકાસ વત્તા આયાત)નો કુલ વેપાર 2023ના Q4ના અંત સુધીના ચાર ત્રિમાસિક ગાળામાં £39.0 બિલિયન હતો, જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં હાલના ભાવે 4.8%નો વધારો દર્શાવે છે. 2023ના અંતે પૂરા થયેલા ચાર ક્વાર્ટરમાં ભારત યુકેનો 12મા ક્રમનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ હતો, જે યુકેના કુલ વેપારમાં 2.2 ટકા હિસ્સો આપે છે.

2023માં ભારત યુકે માટે બીજા ક્રમનું સૌથી મોટું સ્ત્રોત બજાર હતું. ભારતની કંપનીઓએ યુકેમાં 118 નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને 8,384 નોકરીઓનું સર્જન કર્યું હતું.

રિપોર્ટમાં યુકેમાં ઓટોમોટિવ્સ, ઇલેક્ટ્રિક કાર બેટરી, ડાયગ્નોસ્ટિક્સ અને હેલ્થકેર અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ભારતની અગ્રણી કંપનીઓની સિદ્ધિઓને હાઇલાઇટ કરવામાં આવી છે. તે હેરિટેજ બ્રિટિશ બ્રાન્ડ્સ પર ભારતીય કંપનીઓની સકારાત્મક અસરને પણ હાઇલાઇટ કરે છે. બ્રિટનની આ હેરિટેજ બ્રાન્ડને ભારતીય કંપનીઓએ ખરીદી તે પછી તેના મૂલ્ય અને બ્રાન્ડનું રક્ષણ કેવી રીતે થઈ છે તેની પણ માહિતી રજૂ કરાઈ છે.

અહેવાલમાં ભારતીય કંપનીઓના યુકેના વિવિધ પ્રદેશો સાથેના મજબૂત સંબંધોને હાઇલાઇટ કરાયા છે. ભારતીય કંપનીઓના એફડીઆઇના સૌથી મોટા લાભાર્થી પ્રદેશોમાં વેસ્ટ મિડલેન્ડ્સ, લંડન અને નોર્થવેસ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણ વિસ્તારના ઓટો, સોફ્ટવેર એન્ડ આઇટી સર્વિસિસ અને એનર્જી જેવા ક્ષેત્રોએ સૌથી વધુ ભારતીય એફડીઆઇ આકર્ષ્યું છે.

અહેવાલ મુજબ નવા ભારતીય વિદ્યાર્થીઓએ યુકેની યુનિવર્સિટીઓમાં કુલ અંદાજે £4.3 બિલિયનનું યોગદાન આપ્યું છે. 2022ની સરખામણીમાં 2023માં યુકેના સ્ટુડન્ડ વિઝાની સંખ્યા 5% વધીને 133,237 થઈ હતી.

આ પ્રસંગે યુકે ખાતેના ભારતના હાઇ કમિશનર  વિક્રમ દોરાઈસ્વામી જણાવ્યું હતું કે ભારત અને યુકે ઝડપથી બદલાતી વૈશ્વિક સ્થિતિની જટિલતાઓ વચ્ચે વિકાસ પામી રહ્યા છે ત્યારે હું માનું છું કે આપણા બિઝનેસો ભારત-યુકે કોરિડોરની પુનઃ કલ્પના કરી સુરક્ષિત અને ટકાઉ ભાવિ સમૃદ્ધિ માટેના આપણા સહિયારા વિઝન અને આકાંક્ષાને સાકાર કરશે.

LEAVE A REPLY