(Photo by SAM PANTHAKY / AFP) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચાર માર્ચે રાજ્ય વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મોઢવાડિયા આગામી થોડા દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અગાઉ ગુજરાત કોંગ્રેસ એકમના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેરે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ મંગળવારે સત્તાધારી ભાજપમાં જોડાશે. બંને નેતાઓએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ ન થવાના પક્ષના નિર્ણય પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ માટે એક દિવસમાં બે ફટકા હતાં. મોઢવાડિયાએ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું હતું. તેઓ પોરબંદરના ધારાસભ્ય છે. તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતાં. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાણકારી આપી હતી. આની સાથે પાર્ટી સાથેના લગભગ ચાર દાયકા જૂના સંબંધનો અંત આવ્યો હતો.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં મોઢવાડિયાએ આ વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજર ન રહેવાના પક્ષના નિર્ણય પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે પ્રભુ રામ હિંદુઓ માટે માત્ર પૂજનીય નથી, પરંતુ તેઓ ભારતની આસ્થા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવાના આમંત્રણને નકારવાથી ભારતની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કોંગ્રેસ એક પક્ષ તરીકે લોકોની ભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે.આ પવિત્ર પ્રસંગને વધુ વિચલિત કરવા અને અપમાનિત કરવા માટે રાહુલ ગાંધીએ આસામમાં હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેનાથી અમારા પક્ષના કાર્યકરો અને ભારતના નાગરિકોને વધુ નારાજ કર્યા હતાં.
અંબરીશ ડેરે પત્રકારોને કહ્યું હતું કે કોંગ્રેસ છોડવાનું મુખ્ય કારણ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની મુલાકાત ન લેવાનો પક્ષના નેતાઓનો નિર્ણય હતો. ભવ્ય રામ મંદિર બન્યું અને લોકોની 500થી વધુ વર્ષોની રાહ આખરે પૂરી થઈ, ત્યારે મંદિરની મુલાકાત ન લેવાનો કોંગ્રેસના નેતાઓનો નિર્ણય વાજબી ન હતો. મેં તે સમયે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભગવાન રામ બધા માટે આદરણીય છે અને એક રાજકીય પક્ષે બધાની આસ્થાનું સન્માન કરવું જોઈએ.
ડેરે 2017 થી 2022 સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે રાજ્યકક્ષાના પ્રધાન પરષોત્તમ સોલંકીના નાના ભાઈ ભાજપના હેવીવેઈટ હીરા સોલંકીને હરાવ્યા હતા. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ડેરને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં અને તેમના કટ્ટર હરીફ હીરા સોલંકીના હાથે હાર સહન કરવા છતાં તેઓ આ પદ પર રહ્યા હતાં. હવે ભાજપ રાજુલાની બેઠક પર અમરીશ ડેરને પોતાના ઉમેદવાર બનાવશે અને રાજુલાના MLA હીરા સોલંકીને લોકસભાની ચૂંટણીમાં ઊભા કરવામાં આવે તેવી ચર્ચા છે.

LEAVE A REPLY

twelve + 15 =