(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

મોદી સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમવારે સવારે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.

કોંગ્રેસે રાજભવન સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું તથા વિધાનસભા સામે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રાજભવન સુધી દેખાવો કર્યાં હતું. ગાંધીનગરમાં પોલીસની મંજૂરી વગર વિરોધપ્રદર્શન કરવા આવેલા કોંગ્રેસના નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેના પગલે એક સમયે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે થોડુ ઘર્ષણ થયું હતુ,

કોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે આ દેશમાં ખેડૂત જે જગતનો તાત કહેવાય એ કોઈકને ત્યાં ગુલામ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ આ ભાજપ કરી રહી છે. ગુજરાત અને દેશમાં મંડીઓ, APMCની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે. કંપનીઓ તેમને ફાવે તેવા ભાવે ખરીદી કરશે અને સંગ્રાહખોરી કરી નફાખોરી કરશે. તેના વિરોધમાં કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઊતર્યા છે અને લોકશાહી ઢબે વિરોધ કરવાની છૂટ પણ આ ભાજપની સરકાર આપતી નથી.

ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ ખેડૂતવિરોધી ભાજપની સરકારે જગતના તાતને જેલમાં ધકેલવાનું, તેની આજીવિકા છીનવવાનું ષડયંત્ર રચ્યું છે. APMC માર્કેટ સમાપ્ત કરી અને નાના ખેડૂત ક્યાં પોતાનો માલ વેચવા જશે એ સમગ્ર દેશના ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે. મને લાગે છે કે આ ખેડૂતવિરોધી, મજૂરવિરોધી, ગરીબવિરોધી કાયદાઓને કારણે આઝાદી પહેલાંના ભારતનું નિર્માણ થશે.