ગુજરાતમાં આજથી લોકડાઉન ત્રણનો પ્રારંભ થયો છે તેની પૂર્વ સંધ્યાએ જ રાજયમાં કોરોના પોઝીટીવનાં 374 નવા કેસ નોંધાતા હવે ગુજરાત-સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્રની સ્થિતિમાં આગળ વધી રહ્યું હોય તેવો ભય સર્જાવા લાગ્યો છે.

રાજયનાં 374 કેસોમાં એકલા અમદાવાદમાં 23 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાત આ રીતે રવિવાર સાંજ સુધીમાં 5428 પોઝીટીવ કેસ અને 290 મૃત્યુના આંકડે પહોંચી ગયુ છે. ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ પણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછો અને દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા નંબરનો સૌથી નીચો ગયો છે.

દેશમાં કોરોના રીકવરી રેટ 27.3 છે જયારે ગુજરાતમાં તે 19.2 ટકા છે જે મહારાષ્ટ્રનાં 16.3 ટકા કરતા થોડો સારો છે તો 2000 કે વધુ કેસ હોય તેવા કેસમાં ગુજરાત મૃત્યુદરમાં મધ્ય પ્રદેશનાં 5.4 ટકા કરતા ઓછો 4.3 ટકા છે. ગુજરાતમાં કોરોનાના જે આંકડા આવી રહ્યા છે તેનાથી રાજય સરકારે લોકડાઉના ત્રીજા તબકકામાં પણ અગાઊ જેવી સલામત ગેઈમ જ રમવા માટે 20 મહાનગરોમાં પ્રતિબંધાત્મક આદેશો યથાવત રાખ્યો છે.

રાજય સરકારે એક જાહેરનામાથી અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, ભાવનગરમાં રેડઝોન જેવા પ્રતિબંધાત્મક આદેશો અમલમાં મુકયા છે. જયારે રાજયની નગર પાલીકાઓમાં પણ બોપલ, બેરજા, ગોધરા, ખંભાત, ઉમરેઠને આ રેડઝોન જેવા આદેશો હેઠળજ લોકડાઉન 3 સુધી કામ કરવાનું રહેશે. રાજયમાં ગ્રીન ઝોનમાં આંતરિક બસ વ્યવસ્થા (જીલ્લા-પુરતી) શરૂ કરવાની મંજુરી અપાઈ છે પણ આંતર જીલ્લા બસ સેવા હજુ યથાવત કરવામાં આવી નથી.