ગુજરાતમાં કોરોનાના સતત વધતા જતા કેસ અંગે આજે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ વિધાનસભામાં મહત્વનો સ્વીકાર કરતા જણાવ્યુ હતુ કે આપણે કોરોના વાયરસના ત્રીજા તબકકામાં પ્રવેશી ગયા છે અને સોસાયટી અને કોમ્યુનીટીમા વાયરસનો પ્રસાર વધે તેવી શકયતાઓ છે.
વાયરસનો ચેપ એક વ્યકિતની બીજા વ્યકિતમાં જઈ શકે છે જેના કારણે ગુજરાતે હવે તેની મહતમ સાવધાની રાખવાની જરૂર છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ગુજરાતમાં કોરોના પોઝીટીવના 30 કેસ નોંધાયા છે. લોકોએ હવે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર જે કાંઈ આદેશો આપે તેનુ પાલન કરવુ ફરજીયાત બની જશે.
આગામી તા.31 સુધી રાજયના લોકો સામાજિક ડીસ્ટન્સ એટલે કે અંતર વધારે તે જરૂરી છે. આપણે જો 31 માર્ચ સુધી આ સ્થિતિ બનાવશુ તો સંભવ છે કે કોરોના વાયરસ આપણને વધુ અસર કરશે નહીં.
મુખ્યપ્રધાને જણાવ્યુ કે રાજયના જે જિલ્લાઓમાં કોરોના પોઝીટીવનો કેસ આવશે ત્યાં લોકડાઉન જાહેર કરી દેવાશે અને આ પ્રકારની સ્થિતિ જાળવી રાખવાથી કેસોની સંખ્યા ઘટી શકે છે. પરંતુ આના માટે લોકોનો સાથ-સહકાર જરૂરી છે. તેઓએ સુરત સહિતના લોકોને હાલ તેમના વતનમાં નહીં જવા પણ સલાહ આપી હતી. અને કહ્યું હતુ કે વાયરસનુ ટ્રાન્સમીશન શકય તેટલુ ઓછુ થાય તે જરૂરી છે.