કોરોના વાઇરસની શરૂઆત ચીનથી થઇ હતી જે આજે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે અને અમેરિકા, રશિયા, ભારત, ઇરાન, બ્રિટન જેવા મોટા દેશો પણ તેની લપેટમાં આવી ગયા છે. આ પરિસિૃથતિ વચ્ચે અમેરિકાએ કોરોના વાઇરસને લઇને રશિયા, ઇરાન અને ચીન પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

વ્હાઇટ હાઉસમાં આ અંગે માહિતી આપતા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પેઓએ કહ્યું હતું કે ચીન, રશિયા અને ઇરાન દ્વારા કોરોના વાઇરસ અંગે જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો તેને કારણે સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાઇરસ ફેલાઇ ચુક્યો છે.

સાથે એવો પણ દાવો કર્યો હતો કે આ વાઇરસ અંગે જુઠી માહિતી આપવામાં આવે છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે જો ચીન, રશિયા અને ઇરાન દ્વારા કોરોના વાઇરસ અંગે સાચી માહિતી આપવામાં આવી હોત તો તેને વિશ્વમાં ફેલાતો અટકાવી શકાયો હોત.

માઇકે કહ્યું હતું કે કોરોનાને લઇને ખરાબ રીતે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેથી એ અતી જરૂરી છે કે વાઇરસ અંગે સાચી અને યોગ્ય માહિતી આપવામાં આવે અને તેના સોર્સની જાણકારી મેળવવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે જે ખોટી માહિતી આપવામા આવી રહી છે તેના વિશે હું વાત કરવા માગુ છું, જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીધો ચીન પર પ્રહારો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ચીન પ્રત્યે માન છે પણ કોરોના વાઇરસ ચીનમાંથી શરૂ થયો છે અને હવે કન્ટ્રોલ બહાર છે, સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે જિનપિંગ અને મારા સંબંધો મિત્ર જેવા છે પણ ચીનમાંથી આ વાઇરસ આવ્યો અને આજે સમગ્ર વિશ્વમાં ફેલાણો છે જે હવે કન્ટ્રોલ બહાર છે.

ચીનમાં શનિવારે સતત ત્રીજા દિવસે સ્થાનિક સ્તરે કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નહોતો. જોકે, કોરોના વાઈરસના એપી સેન્ટર એવા હુબેઈ પ્રાંતમાં વધુ સાત લોકોનાં મોત સાથે ચીનમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,255 થઈ ગયો હતો.

ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)એ શનિવારે જણાવ્યું હતું કે ચીનમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19નો સ્થાનિક સ્તરે સંક્રમણનો નવો કોઈ કેસ નોંધાયો નથી. જોકે, વાઈરસના એપી સેન્ટર હુબેઈ પ્રાંતમાં સાતનાં મોત નીપજ્યાં હતા જ્યારે 36 નવા કેસ નોંધાયા હતા.

આ સાથે ચીનમાં કોરોનાના 81,008 કેસ નોંધાયા હતા, જેમાં 3,255નાં મોત નીપજ્યાં હતા જ્યારે 6,013 દર્દીઓ હજી સારવાર હેઠળ છે અને 71,740 દર્દીઓને સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કમિશને જણાવ્યું કે 106 લોકો વાઈરસથી સંક્રમિત હોવાનું જણાયું હતું.

કોવિડ-19ના 41 નવા કન્ફર્મ્ડ કેસ ચીનના મેઈનલેન્ડમાં નોંધાયા હતા. અને આ બધા જ દર્દીઓ મોટાભાગે વિદેશથી આવેલા હતા. આમ, ઈમ્પોર્ટેડ કેસોની સંખ્યા 269 થઈ ગઈ હતી. ચીનમાં ઈમ્પોર્ટેડ કેસોની સંખ્યામાં સ્થિરતાથી વધારો થઈ રહ્યો છે ત્યારે એનએચસીએ ચેપગ્રસ્ત લોકો વિદેશીઓ હતા કે વિદેશમાંથી આવેલા ચીનના નાગરિકો તેની સ્પષ્ટતા કરી નથી.