Rajkot: People cross a flooded street after heavy rain, in Rajkot, Monday, Aug. 24, 2020. (PTI Photo)(PTI24-08-2020_000186B)

જ્યારે ખેડામાં 88.19 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરામાં સિઝનનો 70થી 80 ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. મહિસાગર અને દાહોદ જિલ્લામાં 60થી 67 ટકા જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 92.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતમાં 121 ટકા અને ભરૂચમાં 114.05 ટકા વરસાદ પડ્યો છે. તાપી અને નર્મદા જિલ્લામાં સિઝનનો 90 ટકા જેટલો વરસાદ પડ્યો છે,
જ્યારે નવસારી અને વલસાડમાં સિઝનનો 70થી 88 ટકા વરસાદ નોંધાયો છે.

જોકે ડાંગ જિલ્લામાં સિઝનનો 55.26 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં અત્યારસુધીમાં સિઝનનો 213.57 ટકા વરસાદ પડી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રમાં 141.35 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 89.16 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તમામ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ અત્યારસુધીમાં પડી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં 281.4 ટકા, પોરબંદરમાં 189 ટકા, જામનગરમાં 175.62 ટકા વરસાદ નોંધાયો છે.

મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો
મોરબી જિલ્લાના ટંકારા અને મચ્છુ ડેમના ઉપરવાસમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસતા મચ્છુ નદી બે કાંઠે વહ્યાં બાદ આખરે મચ્છુ ૨ ડેમ ઓવરફ્લો થતા આખો જિલ્લો જળબંબોળ થયો છે તેમજ મચ્છુ ડેમનો ધસમસતો પ્રવાહ હાઇવે પર ફરી વળતા મોરબી કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. રોડની બન્ને બાજુમાં વાહનોની લાંબી કતાર થઇ ગઇ હતી. આ ધસમસતા પ્રવાહમાં એક કાર પણ તણાઇ ગઇ હોવાનું જાણવા મળે છે. હાઇવે બંધ કરવામાં આવતા કચ્છ વિખૂટું પડી ગયું હતું. દરમિયાન સૌરાષ્ટ્રના આજી, ન્યારી ભાદર ઉંડ, શેત્રુંજી, સહિતના મોટા ભાગના ડેમ છલકાઇ ગયાં છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના ઉકાઇ ડેમમાંથી ૧ લાખ ૩૧ હજાર ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. તાપી નદીના કિનારે આવેલા અડાજણ રિવરફન્ટ પર પાણી ફરી વળ્યાં હતા.

દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે, અનેક કોઝવે બંધ
દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

મહેસાણા જિલ્લામાં મૂશળઘાર વરસાદથી જનજીવન ખોરવાયું
મહેસાણા અને પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં રવિવારે, 23 ઓગસ્ટે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વહેલી સવારથી જ ધોઘમાર વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. સવારથી લઈને સાંજ સુધી સમયાંતરે ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ સતત ચાલુ રહ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં સાડા અગિયાર ઈંચ, બહુચરાજીમાં ૯ ઈંચ જ્યારે પાટણના સરસ્વતી તાલુકામાં સવા આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતના ૧૫ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હોઈ માર્ગો, નીચાણવાળા વિસ્તારો, નદીનાળાં અને તળાવો છલકાયાં હતાં.

કેટલાક રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. મહેસાણા જિલ્લામાં ગુરુવાર બાદ ફરીથી રવિવારે વહેલી સવારથી જ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં કડી, બહુચરાજી, જોટાણા, ઊંઝા, વિજાપુર સહિત જિલ્લાભરમાં ભારે વરસાદ પડ્યો હતો.

મહેસાણા શહેરના મોઢેરા રોડ પર તળાવ જેવી સ્થિતિ સર્જાતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. હતી, તો નાગલપુર હાઈવે, શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતાંબંને નાળાં પાણીથી ભરાઈ ગયાં હતાં, શહેરના મોટાભાગના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. જેને લઈને ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સોમનાથ રોડ પરની નવદીપ, વાલ્મિકીનગર સહિત શહેરની મોટાભાગની નીચાણવાળી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

મહેસાણા, જોટાણા, બહુચરાજી, કડી સહિતનાં કેટલાંક ગામોના માર્ગો બંધ થઈ ગયા હતા અને બહુચરાજી તાલુકાના પ્રતાપનગર ગામ સહિત કેટલાંક ગામો પણ બેટમાં ફેરવાઈ ગયાં હતાં. વસાઈ ગામનું તળાવ પણ ભરાઈને ઓવરફ્લો થઈને પાણી ગામમાં ઘૂસ્યાં હતાં. બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામમાં વીજળી પડતાં ત્રણ વ્યક્તિ દાઝ્યા હતા, એકને શંખલપુર સરકારી દવાખાને રાખી ગંભીર હાલતમાં બેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

અતિવૃષ્ટિની સ્થિતિમાં ખેતરોના ખેતરો ધોવાઇ ગયા
ગુજરાતભરમાં અનરાધાર અને સતત પડી રહેલા વરસાદના કારણે ખરીફ પાકને ભારે નુકશાની પહોંચી છે. તલમાં સૌથી વધુ નુકશાન જોવા મળી રહ્યું છે. મગફળીમાં સફેદ ફુગ આવી ગઇ છે, કપાસમાં ચુસિયા નામનો અને બાજરીમાં ગુંદરિયા નામનો રોગ ફેલાઇ રહ્યો છે. નદી કાંઠાના, નીચાણવાળા તેમજ ડેમની નીચેના ભાગમાં આવેલા વિસ્તારોમાં પાણીના વિનાશકારી વહેણના કારણે ખેતરોના ખેતરો ધોવાઇ જતા તે વિસ્તારોમાં પાકનો સફાયો બોલાઇ ગયો છે.

ખેતી નિષ્ણાતોના મતે ખેતરોમાં જો સતત ૪ દિવસ પાણી ભરાયેલા રહે તો તેવી સ્થિતિમાં ગમે તેવો પાક બળી જાય છે. આ અતિભારે વરસાદથી ફક્ત ડાંગર, કેળ અને શેરડીના પાકને જ ફાયદો થાય છે.ગુજરાતમાં આ વર્ષે ખેડૂતોએ અનેક આશાઓ સાથે ૮૨.૮૯ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યું હતું. જે ગત વર્ષની તુલનામાં ૩.૬૭ લાખ હેક્ટર વધુ વાવેતર છે. પરંતુ છેલ્લા વિસેક દિવસથી વાદળછાયા , ભેજવાળા વાતાવરણ અને સતત પડી રહેલા વરસાદના કારણે ખેતીપાકને ભારે નુકશાની પહોંચી રહી છે.

ભારે વરસાદમાં રાજ્યમાં 7નાં મોત
મોરબી માં હળવદ તાલુકામાં ગુજકેટની પરીક્ષા આપવા નીકળેલા પિતા-પુત્રનું મોત નીપજયું હતું. મોરબીમાં શેખરડીમાં મહાનદીનો કોઝ વે છલકાઈ જતાં તેમાં કાર ખેંચાઈ ગઈ હતી. જેમાં ત્રણ વ્યકિત્તઓના મોત થયા હતા. જયારે સાબરકાંઠામાં ઢોર ચરાવવા ગયેલા એક વ્યકિત્તનું વાંઘામાં પાણીના ફોર્સમાં તણાઈ જવાથી મૃત્યુ થયું. તાપીના ડોલવણમાં કાચું મકાન પડી જવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું.