Gujarat's 63rd Foundation Day celebrations across the state

ગુજરાત રાજ્યના 63મા સ્થાપના દિનની પહેલી મે 2023એ રાજ્યભરમાં ઉજવણી કરાઈ હતી. જામનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે ભાગ લીધો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના પુત્રની નાદુરસ્ત તબિયતના કારણે જામનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા, જોકે તેમણે સ્થાપના દિનની શુભકામના આપી હતી.

જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા ૭.૪ ફૂટ ઊંચી છે તેમજ ૧૧૦ કિલો વજન ધરાવે છે. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી પ્રધાનનું સ્વાગત કર્યું હતું. પ્રધાને પ્રતિમાનું અનાવરણ કરીને ચેતક પર અસવાર મહારાણા પ્રતાપને નમન કર્યા હતા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટરમાંથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરાઈ હતી. ક્ષત્રિય પરંપરા મુજબનો તલવાર રાસ રજૂ કરાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની શુભેચ્છાઓ. અમૃતકાળમાં આપણા રાજ્યના આ પ્રથમ સ્થાપના દિવસે સાથ, સહકાર અને સેવાની ભાવના સાથે ‘વિકસિત ગુજરાત’ નું નિર્માણ કરવાના સહિયારા પ્રયાસો માટે સંકલ્પબદ્ધ થઈએ. જય જય ગરવી ગુજરાત..!

ઋષિકેશ પટેલે રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. પ્રધાને ગુજરાત સ્થાપના દિને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજને યાદ કર્યા હતા.

આ વખતે ગુજરાત સરકારે ૬૩મા સ્થાપના દિનને ગૌરવ દિન તરીકે નક્કી કર્યું હતું. 1 મે 1960 ના રોજ રાજ્યની સ્થાપના થઈ હતી. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી અને બોમ્બે સ્ટેટમાંથી અલગ ગુજરાત રાજ્ય માટે ચળવળ શરૂ કરી હતી. મહાગુજરાત ચળવળમાં ઈન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાબેન નીલકંઠ, શારદા મહેતા, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, માકડ શાસ્ત્રી, અશોક ભટ્ટ સહિત અનેક સેવાભાવી અને ગુજરાતના સપૂતો સક્રિય પણે જોડાયા હતા.

ગુજરાત સ્થાપના દિવસે ઈન્દુલાલ યાજ્ઞિક ગાર્ડનમાં તેમની પ્રતિમાને અમદાવાદના મેયર કિરીટ પરમારે પુષ્પાજંલિ અર્પણ કરી હતી. બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન સીમા પર રવિવારના સંધ્યા સમયે રાસ ગરબા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો સાથે ઉજવણી કરાઈ હતી. BFSના જવાનોએ સીમા પર પરેડ યોજી લોકો સાથે ગરબે ઘુમી ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી કરી હતી.

LEAVE A REPLY

seventeen − sixteen =