ગુજરાતમાં ૨૦૦૨થી ૨૦૨૩ સુધીમાં વીજળી માગમાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો. ૨૦૦૨માં રાજ્યની મહત્તમ વીજ માંગ ૭૭૪૩ મેગાવોટ હતી, જે વર્ષ ૨૦૨૩માં સુધીમાં વધીને ૨૪૫૪૪ મેગાવોટ થઈ હતી. રાજ્યમાં ઉદ્યોગોના વ્યાપક વિકાસ, ખેતી વીજ કનેક્શનમાં વધારો, શહેરીકરણમાં વધારો તેમજ જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણ જેવા વિવિધ કારણોસર રાજ્યની વીજ વપરાશમાં વ્યાપક વધારો થયો છે.
આ અંગે ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશમાં પણ અનેક ગણો વધારો થયો છે. રાજ્યમાં વધી રહેલી આ વીજ માગને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા વીજળી ખરીદવામાં આવે છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (ટાટા પાવર) સાથે ૨૫ વર્ષ માટે રૂ. ૨.૨૬ પ્રતિ યુનિટના લેવલાઇઝડ દરે વીજ ખરીદી કરવા માટે વર્ષ ૨૦૦૭માં કરાર કરવામાં આવ્યા હતા.
ઇન્ડોનેશિયન કોલસા ઇન્ડેક્સ (HBA) જે સામાન્ય રીતે સરેરાશ ૯૦ US ડોલર પ્રતિ મેટ્રિક ટન જેટલો રહેતો હતો, જેમાં સપ્ટેમ્બર-૨૦૨૧ બાદ અસાધારણ રીતે વધારો થતાં ઓગસ્ટ-૨૦૨૨માં મહત્તમ ૩૩૧ US ડોલર પ્રતિ મેટ્રિક ટન જેટલો થયો હતો. આ સાથે જ રૂપિયાનો ડોલર સામેનો ભાવ પણ વધી ગયો હતો. જે પછીના સમયગાળા દરમ્યાન આયાતી કોલસાના ભાવમાં અતિશય ભાવવધારો થવાના કારણે કરાર અંતર્ગતના વીજ દર પોસાતા ન હોવાથી રાષ્ટ્રીય સ્તરે મોટાભાગના ઈમ્પોર્ટેડ કોલસા આધારિત વીજ પ્રોજેકટો દ્વારા વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું.
ગુજરાત પાસે ૨૪૮૪ મેગાવોટ ગેસ આધારિત વીજક્ષમતા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં ગેસ આધારિત વીજ પ્રોજેક્ટમાંથી વીજ પુરવઠો ખરીદવામાં આવતો હતો. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામે ગેસમાં અછત આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં પણ અસાધારણ વધારો થતાં ગેસ આધારિત મથકોમાંથી પણ સ્થાપિત ક્ષમતા મુજબનું ઉત્પાદન મેળવવું શક્ય ન હતું.

LEAVE A REPLY

15 + 1 =