વલસાડમાં શુક્રવારે કાવેર નદીના જળસ્તરમાં વધારો થતો તાડકેશ્વર મહાદેવનું મંદિર અડધુ પાણીમાં ડુબી ગયું હતું. (ANI Photo)

ગુજરાતમાં સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં પણ રવિવારે સાંજ ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થયો હતો અને તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવસારી અને વલસાડ જિલ્લામાં આશરે 700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ઓરસંગ નદીના સ્તરમાં વધારો થતાં વલસાડના કેટલાંક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હતી. કાવેરી અને અંબિકા નદી ભયજનક સ્તરથી ઊંચા સ્તરે વહી રહી હોવાથી નવસારી જિલ્લામાં સત્તાવાળા એલર્ટ થયા હતા.
મધ્ય ગુજરાતમાં રવિવારે અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10 ઈંચ, છોટાઉદેપુરમાં 9 ઇંચ અને કવાંટમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો.નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતાં પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી હતા.મધ્ય ગુજરાતમાં શનિવારની રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ ચાલુ રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 16 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર થઈ હતી અને છોટાઉદેપુર જિલ્લામાં નદી-નાળાઓ છલકાઈએ ગયા હતા અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.બોડેલીના રાજનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોડેલીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા.