સાઉથ આફ્રિકાના સોવેટો, જોહાનિસબર્ગમાં બંદૂકધારીઓએ કરેલા ફાયરિંગમાં 15 લોકોના મોત થયા હતા. REUTERS/Siyabonga Sishi

સાઉથ આફ્રિકામાં રવિવારે જોહાનિસબર્ગ નજીક આવેલા સોવેટો ટાઉનશીપમાં એક બારમાં રાઇફલ અને પિસ્તોલ સાથે ગનમેને કરેલા આડેધડ ફાયરિંગમાં 15 લોકોના મોત થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ હત્યાકાંડ મધ્યરાત્રી પછી થયો હતો અને ઓર્લેન્ડો ઇસ્ટ ટેવર્નમાં ઘુસેલા ગનમેનની સંખ્યા અંગે માહિતી મળી ન હતી.

હુમલાખોરો મધરાત પછી જોહાનિસબર્ગના સોવેટોમાં એક બારમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ બંદૂકધારીઓ સફેદ ટોયોટા ક્વોન્ટમ મિનિબસમાં ફરાર થઈ ગયા હતા. ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ધ સનના અહેવાલ અનુસાર, ગૌટેંગ પોલીસ કમિશનર ઇલ્યાસ માવેલાએ રવિવારે સવારે કહ્યું, ‘પ્રારંભિક તપાસ સૂચવે છે કે લોકો બારમાં આનંદ કરી રહ્યા હતા. હુમલાખોરો અંદર આવ્યા અને તેમના પર આડેધડ ગોળીબાર કરવા લાગ્યા હતા. તપાસકર્તાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માવેલાએ જણાવ્યું હતું કે, આ ઘટના રાતે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. તેમણે કહ્યું કે 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક વધુ વ્યક્તિએ હોસ્પિટલ પહોંચતા જ જીવ ગુમાવ્યો હતા. 14મા વ્યક્તિનું પણ દાખલ થયા બાદ મૃત્યુ થયું હતું.

ENCA અખબાર અનુસાર, તપાસકર્તાઓનું કહેવું છે કે મૃતકોની ઉંમર 19 થી 35 વર્ષની વચ્ચે હતી.ઓનલાઈન પોસ્ટ કરાયેલા ફૂટેજમાં ફ્લોર પર પડેલા બારમાં મસ્તી કરતા લોકોના મૃતદેહ જોવા મળે છે. ક્વાઝુલુ-નાતાલના પીટરમેરિટ્ઝબર્ગ બારમાં એક દિવસ પહેલા ગોળીબારમાં ચાર લોકો માર્યા ગયા હતા.