અમેરિકાની એક કોર્ટે ટ્રમ્પ સરકારે H-1B નિયમોમાં કરેલા બે મહત્ત્વના સુધારાને અટકાવી દીધા છે. ટ્રમ્પ સરકારે વિદેશી કર્મચારીઓને ભરતી કરવામાં અમેરિકાની કંપનીઓની ક્ષમતાને નિયંત્રિત કરતા સુધારા કર્યા હતા. કોર્ટના નિર્ણયથી ભારતના હજારો પ્રોફેશનલ્સ અને અમેરિકાની આઇટી કંપનીઓને મોટી રાહત મળી છે.

મંગળવારે 23 પેજના આદેશમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઇટે ટ્રમ્પ સરકારની તાજેતરની H-1B પોલિસીને અટકાવી દીધી છે. ટ્રમ્પની પોલિસી મુજબ કંપનીઓએ H-1B વિઝા પર રહેલા વિદેશી કામદારોને ઘણા ઊંચા વેતન આપવા પડતા હતા. કોર્ટે H-1B વિઝા માટેની લાયકાતને મર્યાદિત કરતા સુધારાને પણ અટકાવી દીધા છે.

કોર્ટના ચુકાદાને પગલે ઓક્યુપેશન્સ અને બીજા મુદ્દા અંગેના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના નિયમ ગેરમાન્ય બન્યાં છે. આ નિયમોનો સાત ડિસેમ્બરથી અમલ થવાનો હતો. વેતન અંગેનો લેબર રૂલ પણ પણ હવે ગેરમાન્ય મન્યો છે, જેનો આઠ ઓક્ટોબરથી અમલ થયો છે.

અમેરિકા દર વર્ષે 85,000 સુધી H-1B વિઝા ઇસ્યૂ કરે છે. સામાન્ય રીતે આવા વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે અને તે રિન્યૂ થઈ શકે છે. આશરે 600,000 H-1B વિઝા હોલ્ડર્સમાંથી મોટા ભાગના ભારત અને ચીનના છે. ટ્રમ્પ સરકારના સુધારા સામે યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, બે એરિયા કાઉન્સિલ અને બીજી કેટલાંક યુનિવર્સિટીએ કોર્ટમાં અરજી કરી હતી.