નોર્થ વેસ્ટ લંડનની હેરો કાઉન્સિલના સ્ટાફે એક કૌભાંડ આચરીને સ્ટ્રીટની એક તરફની પેવમેન્ટનું જ રીપેરીંગ કરીને £2 મિલિયન ખિસ્સામાં નાખ્યા હોવાનો આરોપ થઇ રહ્યો છે. કાઉન્સિલના ચાર કર્મચારીઓએ બિલ્ડરને આકર્ષક કોન્ટ્રાક્ટ આપીને બદલામાં તેમની પાસેથી નાણાં લીધા હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.

સ્થાનિક લોકોએ ફરિયાદો કરતા આ કૌભાંડની ખબર પડી હતી. એક આધારભૂત માહિતી મુજબ હેરો કાઉન્સિલના ઉચ્ચ અધિકારીઓને કાઉન્સિલના સ્ટાફ અને તેમના એક કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીતની વીડિયો ક્લીપ પણ મળી હતી. જે મુજબ સામેલ લોકોએ અયોગ્ય નાણાકીય લાભ મેળવ્યા હોવાનું જણાઇ રહ્યું છે.

આ અંગે પોલીસને ગયા વર્ષે ઓગસ્ટમાં એલર્ટ કરાઇ હતી. ફિલ્મ અને પૂરાવા જોયા બાદ પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે સંડોવાયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે “નોર્થ લંડનની કાઉન્સિલના કર્મચારીઓ દ્વારા કાઉન્સિલ સેવાઓ અંગેનો કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં કથિત રીતે નાણાં મેળવ્યા હોવાના અને તેમની છેતરપિંડીના આરોપોથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ અંગે કાઉન્સિલના ચાર સ્ટાફ અને પાંચમા માણસની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને તપાસ હેઠળ જામીન આપવામાં આવ્યા હતા.’’

સ્થાનિક કોન્ઝર્વેટીવ એમપી બોબ બ્લેકમેને કહ્યું હતું કે “કરદાતાઓના નાણાંના આ ગુનાહિત બગાડ માટે ઇન્ચાર્જ લોકો જવાબદાર હોવા જોઈએ.” આ અંગે પાર્લામેન્ટમાં બિઝનેસ ક્વેશ્ચન્સ દરમિયાન એમપી, બોબ બ્લેકમેને કોમન્સના નેતા, માર્ક સ્પેન્સરને હેરો કાઉન્સિલમાં કરાયેલા ભ્રષ્ટાચારના આરોપો વિશે પૂછ્યું હતું. જેમાં કાઉન્સિલ અધિકારીઓ દ્વારા કથિત રીતે £2 મિલિયનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે અને તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.

હેરો કાઉન્સિલે કહ્યું કે તે પોલીસ તપાસમાં સહકાર આપી રહી છે.