લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે વાર્ષિક ધ્વજવંદન સમારોહ દરમિયાન, ભારતના કાર્યકારી હાઈ કમિશનર સુજીત ઘોષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કરેલ સંબોધન વાંચ્યું હતું.

પરંપરાગત સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોના ગાન સાથે ‘આઝાદી કા અમૃત મહોત્સવ ક્વિઝ કોમ્પિટિશન’ના વિજેતાઓને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. યુકેની આસપાસના ભારતીય વાણિજ્ય દૂતાવાસો આ જ રીતે વર્ષ દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને પહેલો સાથે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહ્યા છે.

યુકેમાં સ્વતંત્રતાની ઉજવણીની વિશેષ 75મી વર્ષગાં ઠ પ્રસંગે ઇસ્ટ લંડનમાં કેનેરી વ્હૉર્ફ ખાતે વેસ્ટ ઈન્ડિયા ડોક્સ ખાતે INS તરંગિનીનું ભવ્ય સ્વાગત ઉત્સાહી ડાયસ્પોરા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળનું ઊંચું સઢવાળું જહાજ ગુરુવાર સુધી થેમ્સ ક્વે પર રહેશે. આ પ્રસંગે સોમવારે સાંજે ખાસ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ સાથે પડઘો પાડતા, ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ વેસ્ટ લંડનના શેફર્ડ્સ બુશમાં આવેલા ભારતીય આધ્યાત્મિક નેતા, મહાન સ્વાતંત્ર્ય સેનાની, યોગી, ફિલસૂફ, કવિ અને રાષ્ટ્રવાદી શ્રી અરબિંદો 19મી સદીમાં રહેતા હતા તે ઘર પર પણ ત્રિરંગો ફરકાવ્યો હતો. હાલમાં શ્રી અરબિંદોની 150મી જન્મજયંતિ ઉજવાઇ રહી છે. ભારતીય હાઈ કમિશને આ તસવીર પણ ટ્વિટ કરી હતી.