લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને 26 જાન્યુઆરીના રોજ સેન્ટ્રલ લંડનના ઐતિહાસિક ગિલ્ડહોલમાં 74મા વાર્ષિક ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી કરી હતી જેમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ પરેડની સંગીત, નૃત્ય અને ઝલક રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુકે સ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને યુકેના દક્ષિણ એશિયાના પ્રભારી યુકેના ફોરેન ઓફિસના મિનિસ્ટર તારિક અહમદે ઉપસ્થિત બ્રિટિશ સંસ દસભ્યો, સમુદાયના નેતાઓ, રાજદ્વારીઓ, ઉદ્યોગસાહસિકો અને ભારતીય ડાયસ્પોરાના સભ્યોને સંબોધન કર્યું હતું. વક્તાઓએ 73 વર્ષ પહેલાં અમલમાં આવેલ ભારતના બંધારણ અને દેશ માટે “નોંધપાત્ર” દસ્તાવેજનો ખરેખર અર્થ શું છે તેની માહિતી રજૂ કરી હતી.

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શ્રી દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, “બંધારણની વ્યાખ્યા ભારતના બંધારણની ભાવના અને અર્થને સંપૂર્ણપણે આવરી લેતી નથી કારણ કે તે 1.4 બિલિયન લોકો માટે છે. જેમ હાલમાં આપણે સૌ જોઇ રહ્યા છે તેમ આપણું બંધારણ દેખીતી રીતે એવા વચનો રજૂ કરે છે જે આપણે ભારતીયોએ આપણી જાતને આપ્યા હતા. આ વચનોમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે આપણા મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરવા, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા સુનિશ્ચિત કરવા અને આપણા તમામ લોકો માટે બંધુત્વની ભાવના ઉજાગર કરવાનો સમાવેશ થાય છે. પરંતુ તેમાં તેના કરતાં પણ ઘણું વધારે હતું; તેમાં ભારતના બંધારણને અપનાવવાનો સંદર્ભ હતો અને પેઢીઓથી ભારતીયોમાં જે ભાવના કેળવાઇ છે તેને તે સૌથી નોંધપાત્ર બનાવે છે.”

તેમણે ભારત-યુકે સંબંધોનો ઉલ્લેખ, ડાયસ્પોરા લિવિંગ બ્રિજ અને ચાલુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોની મજબૂતાઈ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે “જેમ જેમ ભારત આગળ વધે છે, ખાસ કરીને યુકે જેવા મિત્રો સાથે તેની વૈશ્વિક ભાગીદારી સાથે પ્રગતિ કરે છે ત્યારે બ્રિટિશ લોકો સાથે, અમે ઇતિહાસ, મૂલ્યો, સંસ્કૃતિ, વેપાર અને રોકાણ પ્રવાહ શેર કરીએ છીએ. ભારતીય મૂળના લોકોના જીવંત સેતુએ બ્રિટિશ ઉદ્યોગો, આરોગ્યસંભાળ, રમતગમત, રાજકારણ અને ભોજન ક્ષેત્રે ઘણું યોગદાન આપ્યું છે. અમે એવા સમયે યુકે સાથે મુક્ત વેપાર કરાર પર કામ કરી રહ્યા છીએ જ્યારે ભારતીય કંપનીઓ આજે યુકેમાં બીજા સૌથી મોટા રોકાણકારો તરીકે વિખ્યાત છે. ભારત માટે આ એક મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે આપણે G20ની અધ્યક્ષતા કરીએ છીએ અને આપણા સમયના ભૌગોલિક રાજનૌતિક બિન્દુ એવા કેટલાક મોટા પડકારોને નેવિગેટ કરીએ છીએ.”

દક્ષિણ એશિયાના પ્રભારી તથા યુકેના ફોરેન ઓફિસના મંત્રી લોર્ડ તારિક અહમદે આ પ્રસંગે બ્રિટિશ સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સંબંધોની ઊંડાઈના મુખ્ય પાસાં તરીકે ડાયસ્પોરા લિવિંગ બ્રિજની મજબૂતાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો.

લોર્ડ અહમદે કહ્યું હતું કે, “અમે ભારત સાથેના અમારા ગાઢ જોડાણને આવકારીએ છીએ, ભારત સાથેના અમારા નજીકના દ્વિપક્ષીય કાર્યોને આવકારીએ છીએ અને ભારતને G20 બેઠકોની યજમાનીની શુભેચ્છા પાઠવીએ છીએ. હું માનું છું કે G20માં ભારતના નેતૃત્વ દ્વારા અમે ફક્ત અમારા બે રાષ્ટ્રો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના લાભ માટે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ દ્વારા અમારા સંકલ્પને મજબૂત કરવાનું ચાલુ રાખીશું. જ્યારે ભારત અને યુનાઇટેડ કિંગડમ એકસાથે ઊભા હોય છે, ત્યારે અમે ફક્ત અમારી વચ્ચે મજબૂત નથી હોતા, અમે વિશ્વ માટે વધુ મજબૂત છીએ.’’

આ પ્રસંગે બ્રિટીશ આર્મીની ગુરખા બ્રિગેડના બેન્ડે ભારત અને યુકેના રાષ્ટ્રગીતો તેમજ કેટલીક ધૂન રજૂ કરી હતી તો યુકેની બોલિવૂડ ડાન્સ સ્કૂલ દ્વારા એ.આર. રહેમાનની ધૂનો ‘જય હો’ અને ‘વંદે માતરમ’ પર ભારતીય નૃત્યો, બેલે અને જાઝનો કોલાજ રજૂ કર્યું હતું.

LEAVE A REPLY

nineteen − fourteen =