Health benefits of superfood linseed-flax seed

ડો. યુવા અય્‍યર,  આયુર્વેદિક ફિઝિ‌શિયન

ઘેરા કથ્થાઇ ચળકતાં અળસીનાં દાણાએ આરોગ્ય જાળવવા ઉપયોગી ખાદ્યપદાર્થોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઘણાં સંશોધનોએ સાબિત કર્યું છે કે નાના સરખા અળસીના દાણા અનેક ગુણોથી ભરપૂર  છે. તેમાં પણ તેમાં મળેલાં મુખ્ય ત્રણ તત્વો 1. ઓમેગા-3 અશેન્શ્યલ ફેટી એસિડ 2. લિગ્નાન્સ અને 3.  ફાઇબરનેકારણે અળસી એટલે કે ફ્લેક્સ સીડનાં ઉપયોગથી ઘણાં હેલ્થ બેનિફિટ્સ મળે છે. આ ઉપરાંત તેમાંનું alpha-linolenic acid (ALA) હૃદયરોગ, ઇમ્યુનિટી વધારવા, વ્યંધ્યત્વ દૂર કરવામાં સ્ત્રીઓ માટે ઉપયોગી છે.

વિવિધ રિસર્ચનાં તારણોને આધારે ફ્લેક્સ સીડમાં રહેલાં ઓમેગા-3 ફેટી એસિડની હૃદયની તંદુરસ્તી માટે ઉપયોગી અસર જણાઇ છે. તેને  કારણે ધમનીઓમાં ચરબી જમા થવાથી થતી એથેરોસ્કલેરોસિસની અસરથી ધમનીઓની સ્થિતિસ્થાપકતા ઓછી થઇ જતી રોકવામાં મદદ મળે છે. 1 ટેબલ સ્પૂન ફ્લેક્સ સીડના પાવડરમાં 1.8 ગ્રામ પ્લાન્ટ ઓમેગા-3 મળે છે. આ ઉપરાંત તેમાં રહેલાં અન્ય તત્વોની એન્ટીઓક્સિડન્ટ અસરને પરિણામે કાર્ડિયોવાસ્કયુલર ફંકશનમાં ફ્લેક્સ સીડ ફાયદો કરે છે. ફ્લેક્સ સીડના ઉપયોગથી ધમનીઓની બરડતા અને તણાવ ઓછો થવાથી હાઇબ્લડપ્રેશરમાં પણ ફાયદો થાય છે.

ફ્લેક્સ સીડમાં રહેલાં લિગ્નાન્સ અને નેચરલ ફાયટોઇસ્ટ્રોજન બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે તેવું તારણો કહે છે. બ્રેસ્ટ કેન્સરમાં વપરાતી દવાઓ સાથે ફ્લેક્સ સીડનો ઉપયોગ કરી શકાય છે. મેનોપોઝ પછી થતી તકલીફમાં ઇસ્ટ્રોજનની ઉણપ દૂર કરવા ફ્લેક્સ સીડનો પાવડર બે ટેબલ સ્પૂન દરરોજ લેવાથી ફાયદો થાય છે તેવું એક સંશોધનમાં જણાયું. તેમ છતાં પણ પ્રેગનન્સી દરમિયાન અને બાળકને દૂધ પીવડાવતી માતાએ ફ્લેક્સ સીડનો ઉપયોગ ટાળવો.

અળસીમાં રહેલાં તૈલી તત્વથી શરીરમાં ઉપયોગી ફેટ મળે છે. તેનાં ઉપયોગથી LDL-બેડ કોલેસ્ટોરોલનું પ્રમાણ ઘટી અને HDL- ઉપયોગથી કોલેસ્ટોરોલનું પ્રમાણ વધે છે તેવું તારણ છે. પરંતુ આ પ્રયોગમાં ફ્લેક્સ સીડની ઉપયોગિતા ચકાસવા અન્ય ચરબીવાળો ખોરાક કેટલાં ખવાયા હતાં કે સંપૂર્ણ બંધ કર્યા હતાં તે જાણવું પણ જરૂરી છે. તળેલા ફરસાણ, તૈલી ખોરાક, વધુ પડતી ખાંડ વગેરેવાળા ખોરાક સાથે બેઠાડું જીવન પણ હોય. બિલકુલ કસરત ના કરતાં હોઇએ અને દરરોજ 3 ચમચી અળસીનો પાવડર ખાઇ અને કોલેસ્ટોરોલ ઘટાડવા કે સુધારવાનું શક્ય બને નહીં. અળસીનાં આયુર્વેદમાં વર્ણવેલા ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણો ચરબીનાં શીત અને મંદ ગુણોથી વિરોધી છે. આયુર્વેદનાં ‘વિપરીત હ્રાસ’ વિરોધી ગુણોથી ઘટાડો થાય તે પ્રિન્સીપલ મુજબ અળસી ચરબી ઘટાડવા મદદરૂપ થાય, જો તેનો ઉપયોગ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો.

આયુર્વેદ શું કહે છે?

ફ્લેક્સ સીડ- સુપરફૂડથી પ્રચલિત અળસીનું ચરક, સુશ્રુત જેવાઆયુર્વેદનાં ગ્રંથોમા ઉલ્લેખ પરથી જણાય છે કે મહર્ષિઓ દ્વારા અળસીનું પરિક્ષણ – ઉપયોગ થયેલો છે. જેનો વિવિધ જગ્યાએ વર્ણન – સૂચનથી ખ્યાલ આવે છે. આયુર્વેદમાં દવા તરીકે ખાઇને તથા બાહ્ય ઉપચારમાં અળશીનાં ઔષધિય ગુણો વિશે જણાવાયું છે.ઉમા, રૂદ્રપત્ની, ક્ષૌમી, સુર્વચલા વગેરે સંસ્કૃત નામોથી અળસીનો ઉલ્લેખ છે. અળસી સફેદ અને રાતી બે હોય છે. જેમાં રાતી-ઘાટી કથ્થાઇનો ઉપયોગ વિશેષ થાય છે. અળસીમાંથી નીકળતાં તેલનું પણ વાગેલા ઘા રૂઝવવા માટે, વા-આર્થરાઇટીસનો સોજો – દુખાવો મટાડવા તથા ગૂમડું પકાવવા માટે પોલટીસમાં ઉપયોગ થાય છે. દવામાં અળશીનાં બીજનો પાવડર, તેલ અને ફૂલ વપરાય છે. બીજનું ચુર્ણ 3થી 6 ગ્રામ દિવસ દરમિયાન બે-ત્રણ ડોઝમાં ડીવાઇડ કરી વપરાય છે. તેલ 5થી 16 ml ડીવાઇડેડ ડોઝમાં વપરાય છે.

અળસીનાં ગુણો – આયુર્વેદાનુસાર

અળશીનો સ્વાદ – તિક્ત અને ગળ્યો છે. ચીકાશયુક્ત છે તથા પાચન બાદ ભારે છે તથા કડવો રસ બને છે. પાચન અને વિપાક થયા પછી અળસી ઉષ્ણવીર્ય-ગરમ માનવામાં આવે છે. આ ઉપરાંત દૃષ્ટિશક્તિને નુકશાનકારક તથા શુક્રને ઘટાડનારી કહી છે. આ બધા રસ, ગુણ, વિપાક અને વીર્ય જેવા આયુર્વેદનાં દ્રવ્યગુણ વિજ્ઞાનનાં સિદ્ધાંતો આધારિત વિશ્લેષણ ધ્યાનમાં રાખી વ્યક્તિગત પ્રકૃતિ, થયેલો રોગ અને યોગ્ય માત્રા – વિધિવત્ ઉપયોગ વૈદ સૂચવી શકે છે. આથી અળસી તો ગરમ પડે, આંખને નુકશાન કરે કે વીર્ય ઘટાડી નાંખે તેવી સ્થૂળ માહિતી ગેરમાર્ગે જ દોરે. વિવિધ પદાર્થોનો યોગ્ય ઉપયોગ, પ્રમાણસર ઉપયોગ ઔષધ બની શકે.

તેમ છતાં પણ અળસીનો લોહી પાતળું કરવાનો ગુણ ધ્યાનમાં રાખી તજાગરમી, નસકોરી, વધુ પ્રમાણમાં માસિક જેવી તકલીફથી પીડાતા લોકોએ ઉપયોગ કરવા માર્ગદર્શન લેવું.

વિવિધ ઉપયોગ

શરીરમાં ચરબી વધુ હોય, વજન વધુ હોય, વારંવાર ખાવાની ઇચ્છા થતી હોય તેઓએ અળસીના દાણા થોડા શેકી અને  ટેબલ સ્પૂન બે-ત્રણ વખત દિવસમાં ચાવીને ખાવા. તેમાંની ચીકાશ, રેસા ખોટી ભૂખ મટાડે છે.

અળસીમાં રહેલી ચીકાશ- રેસા કબજીયાત મટાડે છે. તેમ છતાં શેકીને પાવડર કરી 1 ગ્લાસ પાણીમાં 1 ટેબલ સ્પૂન પાવડર પીવાથી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમનાં દર્દીઓને મળપ્રવૃત્તિ નિયમિત કરવામા ઉપયોગી થાય છે. વારંવાર થતાં ઝાડા મટે છે.

બ્લીડીંગ પાઇલ્સનાં દર્દીઓ 3થી 5 ML ઓઇલનો ખોરાકમાં ઉપયોગ કરી ફાયદો મેળવી શકે છે.

વાતનાડીનાં રોગોમાં અળસીનું તેલ, બીયાનો ઉપયોગ ફાયદો કરે છે.

બાયપોલાર ડિસોર્ડર, ADHD, મેનોપોઝલ સિન્ડ્રોમમાં ફ્લેક્સિડ ઓઇલનો ઉપયોગ કરવાથી સારા પરિણામ મળે છે.

અનુભવસિદ્ધઃ અળસીનાં બીજ  – મીઠા હળદરમાં પલાળી, શેકી મુખવાસમાં થોડા પ્રમાણમાં નિયમિત ઉપયોગ કરી તેનાં ગુણોનો ફાયદો મેળવી શકાય.

LEAVE A REPLY

four − four =