બ્રિટનની સરકારે લંડનમાં 5 જુલાઈએ ચાલુ થયેલી બે દિવસની ધાર્મિક સ્વતંત્રતા અંગેની વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વના વિવિધ ભાગોમાં ધાર્મિક સ્વતંત્રતાના સામેની વ્યાપક ધમકીઓના ભાગરૂપે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ક્વીન એલિઝાબેથ-ટુ સેન્ટરમાં પોતાના પ્રવચનમાં યુકેના વિદેશ પ્રધાન લીઝ ટ્રસે જણાવ્યું હતું કે આ વૈશ્વિક કોન્ફરન્સ મુક્ત અભિવ્યક્તિ કે લોકશાહીની જેમ મૂળભૂત સ્વતંત્રતા અંગેની છે, પરંતુ વિશ્વની 80 ટકાથી વધુ વસતિ રહે છે તેવા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા કે માન્યતા સામે જોખમ છે. આ કોન્ફરન્સના યજમાન દેશ તરીકે યુકેએ દાયકાથી યહુદી સમુદાય પરના ચોંકાવનારા અત્યાચાર, શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમના ચીન દ્વારા દમન, નાઇજેરિયામાં ખ્રિસ્તીઓ પરના અત્યાચાર અને અફઘાનિસ્તાનમાં લઘુમતી સમુદાયોની દયનીય સ્થિતિના મુદ્દા ઉઠાવ્યા હતા.

ટ્રસે જણાવ્યું હતું કે એવા સંખ્યાબંધ ઉદાહરણો છે કે જેમાં હિન્દુઓ, માનવતાવાદીઓ અને બીજા ઘણા પર તેમની માન્યતાને કારણે સતત અત્યાચારો થઈ રહ્યાં છે. આ અત્યાચારોમાં બહિષ્કાર અને ભેદભાવથી લઇને બળજબરીપૂર્વકના ધર્મપરિવર્તન તથા ધર્મસ્થાનોના ધ્વંશ અને ટાર્ગેટ કિલિંગનો સમાવેશ થાય છે. આગામી બે દિવસમાં વિશ્વભરના લોકો ધાર્મિક સ્વતંત્રતા કે માન્યતાની સાથે મળીને ચર્ચા કરશે.

રશિયા યુક્રેન યુદ્ધના સંદર્ભમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે રશિયાના લશ્કરી દળોના ઘૃણાસ્પદ વોર ક્રાઇમ માટે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન જવાબદાર છે.રશિયાની નિરંકુશ બોંબવર્ષાથી નિર્દોષ નાગરિકોએ ધર્મસ્થાનામાં આશરો લેવો પડ્યો છે. ચર્ચા, મસ્જિદો સહિતના ધર્મસ્થાનોને ધ્વંશ કરવામાં આવ્યો છે. પુતિનના આક્રમણથી ધર્મને પણ નુકસાન થયું છે.

આ વૈશ્વિક કોન્ફરન્સમાં આશરે 100 દેશોના ધર્મ, માન્યતા, સરકાર અને સિવિલ સોસાયટીના આશરે 600 નેતાઓ ભાગ લેશે. આ કોન્ફરન્સે ખુલ્લી મૂકતા પ્રિન્સ ચાર્લ્સે એકબીજા પ્રત્યે અનાદર ધરાવતી કટ્ટર માન્યતા ધરાવતા લોકોનો ટ્રેજિક પેરાડોક્સનો ઉલ્લેખ કર્યો હતો.