Reliance Industries Chairman Mukesh Ambani son Akash Ambani (L) and daughter Isha Ambani during a Reliance 43rd Annual General Meeting
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી (ડાબી બાજુ) અને પુત્રી ઇશા અંબાણી (ANI Photo)

બિલિયોનેર મુકેશ અંબાણીએ ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 29 ઓગસ્ટે યોજાયેલી 45મી એજીએમમાં તેમના ત્રણ સંતાનો વચ્ચે વારસાની યોજનાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

એજીએમમાં તેમણે જાહેરાત કરી હતી કે જિયો ટેલિકોમનો બિઝનેસ આકાશ સંભાળશે, રિટેલ બિઝનેસ ઈશા સંભાળશે અને ન્યૂ એનર્જી બિઝનેસ અનંત સંભાળશે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ નિવૃત્ત નથી થઈ રહ્યા અને અગાઉની જેમ જ કંપનીને નેતૃત્વ પૂરું પાડતા રહેશે.

65 વર્ષીય મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે આકાશે જિયોમાં અને ઈશાએ રિટેલમાં લીડરશીપ ભૂમિકા સંભાળી લીધી છે. તેઓ ખંતપૂર્વક અમારા કન્ઝ્યુમર બિઝનેસ શરૂ થયા ત્યારથી તેમાં સક્રિય છે. અનંત પણ ન્યૂ એનર્જી બિઝનેસ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ ગયા છે. તેઓ તેમનો મોટાભાગનો સમય જામનગરમાં આપી રહ્યા છે.

અંબાણીએ જણાવ્યું હતું કે “આ ત્રણેયને અમારા સ્થાપક (ધીરુભાઈ)ના માઈન્ડસેટ સંપૂર્ણપણે વારસામાં મળ્યા છે. તેઓ ત્રણેય રિલાયન્સની યુવા ટીમમાં કાર્યરત્ છે અને અદભુત કામગીરી કરી રહ્યા છે. અલબત્ત, તેમને મારા સહિત અમારા સીનિયર અધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો દરરોજ માર્ગદર્શન પણ આપતા રહીએ છીએ.

30 વર્ષીય આકાશ અંબાણીએ જૂનમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન તરીકે હોદ્દો સંભાળી લીધો છે. એજીએમમાં મુકેશ અંબાણીએ તેમના 30 વર્ષીય પુત્રી ઈશાનો પરિચય રિટેલ બિઝનેસના લીડર તરીકે કરાવ્યો હતો અને ઈશાને ઈ-કોમર્સ યુનિટ વોટ્સએપ સાથે જોડવા અંગે અને કંપની એફએમસીજી સેક્ટરમાં પ્રવેશી રહી છે તે અંગે પ્રેઝન્ટેશન આપવા આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે 26 વર્ષીય અનંત ન્યૂ એનર્જી બિઝનેસમાં કાર્યરત્ છે જેમાં સોલાર, બેટરી અને હાઈડ્રોજન ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ છે.

મુકેશ અંબાણીની નેટવર્થ 94 બિલિયન ડોલરથી વધુ છે અને તેઓ હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એમડી અને ચેરમેન છે. તેમના પત્ની 59 વર્ષીય નીતા અંબાણી પણ રિલાયન્સના બોર્ડમાં છે. કંપની ફાઈલિંગ મુજબ અંબાણી પરિવાર હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 50.6 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ 2019માં 47.27 હતો.