Yui Mok/Pool via REUTERS/File Photo

ઈંગ્લેન્ડમાં સેંકડો સ્થાનિક કાઉન્સિલની બેઠકો અને મુખ્ય મેયરપદ ગુમાવ્યા બાદ સખત નિરાશ થયેલા વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે ચેતવણી આપી હતી કે સ્થાનિક ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે દેશ વિપક્ષી લેબર પાર્ટીની આગેવાની હેઠળ ત્રિશંકુ સંસદ તરફ આગળ વધી રહ્યો છે, જે “બ્રિટન માટે આપત્તિજનક હશે”.

સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીના કારમા પરાજય બાદ ‘ધ ટાઈમ્સ’ને જણાવ્યું હતું કે, “આ પરિણામો સૂચવે છે કે અમે સૌથી મોટી પાર્ટી તરીકે લેબર સાથે ત્રિશંકુ સંસદ તરફ આગળ વધી રહ્યા છીએ. લેબર લીડર કેર સ્ટાર્મર માટે ડાઉનિંગ સ્ટ્રીટમાં આગળ વધવું એ બ્રિટન માટે આપત્તિ હશે. દેશને વધુ રાજકીય હોર્સ-ટ્રેડિંગની નહિં પરંતુ કાર્યવાહીની જરૂર છે. અમે એક માત્ર એવી પાર્ટી છીએ જેની પાસે લોકોની પ્રાથમિકતાઓ પૂરી પાડવાની યોજના છે.”

તેમણે કહ્યું હતું કે “હું જાણું છું કે છેલ્લા કેટલાક વર્ષો અઘરા રહ્યા છે અને હું સમજું છું કે લોકો શા માટે હતાશ છે. સારા કન્ઝર્વેટિવ કાઉન્સિલરો અને જેમણે વેસ્ટ મિડલેન્ડ્સ માટે ઘણું સારું કર્યું છે તે એન્ડી સ્ટ્રીટ જેવા અદ્ભુત મેયરને ગુમાવવા તે સખત નિરાશાજનક છે. પરંતુ હું લોકોને બતાવવા માટે કટિબદ્ધ છું કે અમે તેમના માટે કામ કરી રહ્યા છીએ, અને અમારા મૂલ્યો માટે ઊભા છીએ.”

ટોરીઝે કુલ 10 કાઉન્સિલ, 10 પોલીસ અને ક્રાઈમ કમિશનરના પદ અને 470થી વધુ કાઉન્સિલ બેઠકો પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. જેનો મોટાભાગનો ફાયદો લેબર અને લિબ ડેમ્સને થયો હતો અને ટોરીઝ ત્રીજા સ્થાને ધકેલાઇ ગયું હતું.

પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની આગેવાની હેઠળ કન્ઝર્વેટિવ બેકબેન્ચના બળવાખોરોનો અવાજ તેજ થયો છે અને તેઓ વડા પ્રધાનને આગળ વધીને મજબૂત નેતૃત્વ બતાવવાની માંગ કરી છે. પણ સુનકે તેમના નેતૃત્વ માટેના કોઈપણ તાત્કાલિક ખતરાને ટાળી દીધો છે, કારણ કે બળવાખોરોમાં સામાન્ય ચૂંટણી પહેલા બીજી ઉથલપાથલ શરૂ કરવાની ઓછી ભૂખ છે.

‘સ્કાય ન્યૂઝ’ માટેના અગ્રણી મનોવિજ્ઞાની પ્રોફેસર માઇકલ થ્રેશરના વિશ્લેષણમાં સૂચવાયું હતું કે લેબર સામાન્ય ચૂંટણીમાં 294 બેઠકો જીતશે જે બહુમતી માટે જરૂરી 326 બેઠકો કરતાં ઓછી છે.

LEAVE A REPLY

twenty + seven =