પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ચાર્ટર્ડ ફ્લાઇટ્સ મારફત ભારતીયોને અમેરિકામાં ધુસાડવાની વધુ એક ઘટના બહાર આવી છે. દુબઈથી 253 ભારતીય મુસાફરોને લઈ જતી એક ચાર્ટર્ડ ફ્લાઇટને જમૈકાથી પરત મોકલવામાં આવી હતી. આ મુસાફરોના ડોક્યુમેન્ટ્સમાં ગરબડ ગોટાળાને કારણે 7મેએ આ ફ્લાઇટને પરત મોકલાઈ હતી.

ગુરુવારે આ ઘટનાની પુષ્ટી કરતાં ભારતના વિદેશ મંત્રાલયના એમઈએ રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે દુબઈથી એક ચાર્ટર્ડ ફ્લાઈટ ઘણા ભારતીયો સાથે જમૈકામાં ઉતરી હતી. મુસાફરોએ અગાઉથી મુસાફરી અને હોટલનું બુકિંગ કરાવ્યું હતું. જોકે સ્થાનિક સત્તાવાળાઓ તેમના દસ્તાવેજોથી સંતુષ્ટ ન હતાં. તેઓને 7મી મેએ દુબઈ પાછા મોકલવામાં આવ્યા હતાં. જોકે મુસાફરો ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતાં કે નહીં તેની વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી ન હતી. આ ટાપુ દેશ અમેરિકાથી નજીક છે અને અમેરિકામાં ધૂસવાના ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે.

સ્થાનિક અહેવાલો અનુસાર, 253 ભારતીયો અને અન્ય વિદેશી નાગરિકોને લઈને એક ચાર્ટર્ડ ફ્લાઇટ ગયા ગુરુવારે જમૈકા આવી હતી. ફ્લાઇટમાંના કેટલાક ભારતીયોએ દાવો કર્યો હતો કે તેઓ પાંચ દિવસની ટૂર પર છે, પરંતુ તેમનો પ્રવાસ માત્ર એક દિવસનો હતો.

કિંગ્સટનના નોર્મન મેનલી ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન અધિકારીઓએ તેમના પ્રવાસ દસ્તાવેજોમાં ગોટાળા શોધી કાઢ્યા હતા અને તેઓને પ્રવેશ જમૈકામાં એન્ટ્રી આપી ન હતી. આ મુસાફરોને ડાઉનટાઉન કિંગ્સ્ટનની ROK હોટેલમાં અસ્થાયી રૂપે રહેવાની મંજૂરી અપાઈ હતી.
આમાંથી કેટલાંક જમૈકા, કેટલાંક નિકારગુઆ અને કેટલાંક કેનેડા જઈ રહ્યાં છે. પોલીસે માનવ તસ્કરીની તપાસ ચાલુ કરી હતી.

ગયા વર્ષે આવી જ એક ઘટના બની હતી. તે સમયે દુબઈથી ઉપડેલી ચાર્ટર્ડ ફ્લાઇટ ફ્રેન્ચ એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી અને 276 ભારતીય મુસાફરોને પરત મોકલાયા હતા.

LEAVE A REPLY

1 × 3 =